ચરાડવાની સીમમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના ચરાડવા પાસે કડિયાણાની સીમમાં હત્યા કરાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને મહિલાના મોઢા, ગળા તેમજ શરીરના ભાગે હથિયારના ઘા મારી હત્યા કરી હોવાનો ગુન્હો નોંધાયો હતો જે બાબતે પોલીસે તપાસ હાથ ધરતા આડા સંબંધની શંકા રાખી પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી પતિને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
હળવદના ચરાડવા ગામની સીમમાંથી હથિયાર વડે માર મારીને મહિલાનું મોત નિપજાવેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો અને ત્યારબાદ મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી. આ બનાવમાં દાહોદના ઉડાર ભાભોર ફળીયુના રહેવાસી નગરાભાઈ તીતરીયાભાઈ ભાભોરે દાહોદના પાનમ ગામના રહેવાસી તેના જમાઈ છગનભાઈ નવલાભાઇ ડામોર સામે દીકરીની હત્યા કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેની દીકરી ધનકીબેનના પ્રથમ લગ્ન અલીરાજપુર જીલ્લામાં રમેશભાઈ સાથે કર્યા હતા જોકે ત્રણેક વર્ષ પહેલા તેના અવસાન બાદ તેની દીકરી બે સંતાનો સાથે ફરિયાદીના ઘરે રહેતી હતી અને દોઢેક વર્ષ પહેલા તેને પાનમ છગનભાઈ નવલાભાઇ ડામોર સાથે લગ્ન કરી લીધા હતા અને ફરિયાદીની દીકરીને પાનમ ગામના છનુભાઈ સાથે આડા સબંધ હોવાની શંકા વહેમ રાખીને છગનભાઈ ડામોરે તેને માર માર્યો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છગનભાઈ નવલાભાઇ ડામોરની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.