સોરઠમાં આવતાં પ્રવાસીઓ માટે કેશોદ બનશે કેન્દ્ર બિંદુ
સપ્તાહમાં ત્રણ દિવસ વિમાન ઉડાન ભરશે: CM ભુપેન્દ્ર પટેલ ઉદ્દઘાટન કરશે
- Advertisement -
કેશોદથી સાસણ 50, સોમનાથ 55 અને જૂનાગઢ 35 કિલોમીટરનાં અંતરે
ખાસ-ખબર સંવાદદાતા
સોરઠનાં સાસણ, જૂનાગઢ અને સોમનાથ દેશ-વિદેશનાં પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો છે. અહીં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને જૂનાગઢમાં ગિરનાર રોપ-વે કાર્યરત થયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. હવે તા. 16 એપ્રિલથી કેશોદમાં એરપોર્ટ શરૂ થવા જઇ રહ્યું છે. મુખ્યમંત્રી અને કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રીનાં હસ્તે ઉદ્ધાટન થશે. સપ્તાહમાં 3 દિવસ મુંબઇ થી કેશોદ વિમાન સેવાનો પ્રારંભ થશે. પરિણામે સોરઠ આવતા પ્રવાસીઓ માટે કેશોદ કેન્દ્ર બિંદુ બની રહેશે. કારણ કે કેશોદ સાસણ,જૂનાગઢ અને સોમનાથની મધ્ય આવેલું છે. દેશ વિદેશનાં પ્રવાસીઓને અહીં આવ્યા બાદ પ્રવાસન સ્થળ પર જવામાં અનુકુળતા રહેશે. કેશોદ એરપોર્ટ નવાબીકાળમાં બન્યું હતું. વર્ષોથી બંધ હતું. અનેક વખત શરૂ કરવાની તારીખ આવી હતી. પરંતુ કાર્યરત થયું ન હતું. હવે વધુ એક તારીખ જાહેર થઇ છે. તા. 16 એપ્રિલનાં કેશોદ એરપોર્ટનું ઉદ્ધાટન કરવામાં આવશે.
- Advertisement -
કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સીંધીયા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા તા.16 એપ્રીલના રોજ બપોરે 2 કલાકે નવિનિકરણ કરાયેલ કેશોદ એરપોર્ટનો ઉદ્ધાટન સમારોહે યોજાશે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા રૂ.25 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટમાં વિવિધ સુવિધાઓનુ નિર્માણ કરાયુ છે. ઉપરાંત કેશોદ મુંબઇ કેશોદ વિમાની સેવાનો પણ પ્રારંભ કરાવશે. સપ્તાહમાં ત્રણ દિવસ કેશોદ મુંબઇ કેશોદ વિમાની સેવાનો લાભ મળશે.આ પ્રસંગે કેન્દ્રીય સડક પરિવહન રાજ્ય મંત્રી વી.કે. સીંઘ, પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઇ માલમ, સાંસદ રાજેશભાઇ ચૂડાસમા, સાંસદ રમેશભાઇ ઘડુક સહિતના ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના કેશોદ તેમજ જૂનાગઢ ખાતે યોજાનાર કાર્યક્રમના સૂચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. કેશોદ એરપોર્ટથી વિમાની સેવા શરૂ થવાથી વેપાર, ઉદ્યોગોની સાથે સાથે દેશ-વિદેશથી સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા પ્રવાસીઓની સેવામાં પણ વધારો થશે.
હાલ જૂનાગઢ જિલ્લાથી નજીક રાજકોટ, પોરબંદર જિલ્લામાં જ એરપોર્ટ છે. ત્યારે હવે સાસણ સિંહ દર્શન, ગિરનાર રોપ-વે મુલાકાત માટે પણ આવતા પ્રવાસીઓ વિમાની સેવાનો લાભ લઇ શકશે.તેમજ કેશોદ સોરઠમાં આવતા પ્રવાસીઓનું કેન્દ્ર બિંદુ બની રહેશે. કેશોદથી સાસણ 50 કિમી,જૂનાગઢ 35 કિમી અને સોમનથા 55 કિમી,માધવપુર 38 કિમી અને ચોરવાડ 34 કિમી થાય છે. તેમજ નેશનલ હાઇવે બની ગયા બાદ જૂનાગઢ અને સોમનાથ જવામાં પણ સરળતા રહે છે. દેશ – વિદેશમાંથી આવતા પ્રવાસીઓ માટે કેશોદ કેન્દ્ર બની રહેશે. જૂનાગઢ ગિરનાર રોપ-વે, સાસણ સિંહ દર્શન અને સોમનાથ મહાદેવનાં દર્શન કરવા આવતા પ્રવાસીઓ માટે કેશોદ એરપોર્ટ અનુકુળ રહેશે. કેશોદ એરપોર્ટ કાર્યરત થતા પ્રવાસીનની દિશાને વેગ મળશે તેવું મનાઇ રહ્યું છે. કલેક્ટર રચિત રાજના જણાવ્યા મુજબ, ઉડાન પ્રોગ્રામ અંતર્ગત તા.17 એપ્રિલથી મુંબઇ-કેશોદ-મુંબઇ રૂટ પર વિમાની સેવાનો આરંભ થશે. એરપોર્ટ બિલ્ડીંગના રીનોવેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા અને તેની આજુબાજુના પ્રવાસન સ્થળો માટે પ્રવાસીઓની સેવામાં વધારો થશે અને પ્રવાસનને વેગ મળશે. તેમજ સાસણ ગીર, ગિરનાર, સોમનાથ અને દીવ વચ્ચે ટુરીઝમ સર્કીટ ડેવલપ થશે.
કેશોદમાં હોટલ ઉદ્યોગ માટે નવી તક ઉભી થઇ શકે
જૂનાગઢ, સાસણ, સોમનાથ, માધવપુર, ચોરવાડ આવતા પ્રવાસીઓ કેશોદ એરપોર્ટનો ઉપયોગ કરે તો કેશોદ શહેરનો વિકાસ થઇ શકેે તેમ છે. કેશોદમાં હોટલ ઉદ્યોગ માટે નવી તક ઉભી થઇ શકે તેમ છે. આ ઉપરાંત કેશોદ સોરઠનું પહેલેથી જ કેન્દ્ર રહ્યું છે. અહીં મોટા પાયે ખરીદી કરવા લોકો આવતા હતાં. પરંતુ કાળક્રમે તેમા ઓટ આવી છે. હવે એરપોર્ટ સેવા કાર્યરત થવાથી તેમાં સુધાર આવે તેવી શકયતા છે.
જૂનાગઢ જિલ્લાનું એક માત્ર કેશોદ વિક્સીત શહેર
જૂનાગઢ જિલ્લામાં 10 તાલુકા આવેલા છે. પરંતુ કેશોદ શહેર વિકસીત છે. એક તો નેશનલ હાઇવે પર આવેલું છે. તેમજ ભેંસાણ અને વિસાવદરને બાદ કરતા તમામ તાલુકા માટે મધ્યમાં છે. માળિયા, માંગરોળ, ચોરવાડને નજીક પડે છે. એરપોર્ટ કાર્યરત થવાથી કેશોદનો વિતેલો સમય ફરી આવે તેવું મનાઈ રહ્યું છે.
રાજકોટ કે પોરબંદર વિમાન સેવાનો ઉપયોગ નહીં કરવો પડે
સામાન્ય રીતે પ્રવાસીઓ રાજકોટ અને પોરબંદર વિમાન સેવાનો લાભ લેતા હોય છે અને બાદ જૂનાગઢ, સાસણ અને સોમનાથ જતા હોય છે. કેશોદ એરપોર્ટ કાર્યરત થતાં રાજકોટ કે પોરબંદર એરપોર્ટનો ઉપયોગ નહીંવત કરવો પડશે. પ્રવાસીઓ અને વેપારીઓ સીધા કેશોદ એરપોર્ટ ઉપર આવી શકશે.