ત્રણ-ત્રણ દાયકા પછી કાશ્મીરી પંડિતોને આંશિક ન્યાય મળ્યો: આ ફિલ્મ નિષ્ફળ જશે તો એ હિન્દુત્વની અને હિન્દુઓની હાર હશે..
બોલિવૂડ આખું જ દંભી છે, હિન્દુઓની વાત કરતાં તેમાં બધાં જ શરમાય છે. એમાં પણ પંડિતોની વાત! એમની વ્યથાની વાત થોડી કરવાની હોય ! પોસ્ટ ગોધરા રાયોટ્સની વાત પરથી ફિલ્મ બનાવાય, પણ ગોધરાકાંડ પર થોડી બને!
– કિન્નર આચાર્ય
આરૂષી તલવાર હત્યાકેસ પર ફિલ્મ એનાઉન્સ કરવામાં બોલિવૂડને વાર નથી લાગતી. અંકુર અરોરા મર્ડર કેસ હોય કે પછી કોઈ એન્કાઉન્ટર કે પછી કોઈ દલિત યુવતીની હત્યા કે કોઈ સ્પોટર્સ પર્સનની બાયોગ્રાફી. બોલિવૂડનાં સર્જકોમાં આવી બધી બાબતોએ ગજબનાક સ્ફૂર્તિ આવી જાય છે. મહેશ ભટ્ટ અને રામગોપાલ વર્મા તો રોડ એક્સિડન્ટ પર કે કોઈની સાયકલમાં પંક્ચર થાય તો પણ તેની પર ફિલ્મ એનાઉન્સ કરી શકે છે. પરંતુ કાશ્મીરી પંડિતો પર થયેલાં નૃશંસ નરસંહાર પર કોઈ નરબંકાને ફિલ્મ બનાવવાનું સૂઝ્યું નહીં. આઝાદ ભારતનાં ઈતિહાસની સૌથી દારૂણ ટ્રેજેડી પર ત્રણ-ત્રણ દાયકા સુધી ફિલ્મ ન બને તો એ ફિલ્મ ઈન્ડસ્ટ્રી શા કામની? હોલિવૂડ પછી સૌથી મોટી ગણાતી જગતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝએ ડૂબી મરવા જેવી આ ઘટના છે.
હજ્જારો પંડિતોની ખૂલ્લેઆમ કત્લેઆમ, પાંચ લાખ પંડિતોની હિજરત, નિર્દોષ મહિલાઓ પર બળાત્કાર, માસુમ બાળકો પર અત્યાચાર, ખૂનામરકી, લૂંટફાટ, મિલકતો પર કબ્જો અને ટેરરિઝમનાં સૌથી ભયાનક સ્વરૂપનો હાહાકાર. એક ફિલ્મ સર્જક માટે શું આ ‘મસાલો’ પર્યાપ્ત ન ગણાય. છતાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ માટે આપણે ત્રીસ-ત્રીસ વર્ષ સુધી રાહ કેમ જોવી પડી?
- Advertisement -
વાસ્તવિકતા એ છે કે, બોલિવૂડ આખું જ દંભી છે. હિન્દુઓની વાત કરતાં તેમાં બધાં જ શરમાય છે. એમાં પણ પંડિતોની વાત! એમની વ્યથાની વાત થોડી કરવાની હોય! પોસ્ટ ગોધરા રાયોટ્સની વાત પરથી ફિલ્મ બનાવાય, પણ ગોધરાકાંડ પર થોડી બને! જરા વિચાર તો કરો, ગોધરા ટ્રેન કાંડની તલસ્પર્શી વિગત દર્શાવતી ફિલ્મ પણ હજુ આપણે ત્યાં બની નથી.
બોલિવૂડ ડબલ સ્ટાન્ડર્ડ નથી રાખતું, મલ્ટિપલ સ્ટાન્ડર્ડ રાખે છે. કશ્મીર ફાઈલ્સ ફ્લોપ થાય તેવાં પ્રયત્નો થયા, એ સફળ નિવડી રહી છે ત્યારે સુપરહિટ કે બ્લૉકબસ્ટર ન થાય એ માટે પ્રયાસો થઈ રહ્યાં છે. નાની-નાની વાહિયાત વાતો પર ટ્વિટ કરતા બોલિવૂડીયા ચકલા-ચકલીઓ ફિલ્મ બાબતે સંપૂર્ણ મૌન છે. બધાની જબાન પર અલિગઢી તાળાં લાગી ગયા છે.
ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રીને સો-સો તોપની સલામી આપવી જોઈએ, આ ફિલ્મ બનાવવા માટે. ફિલ્મ કંઈ માસ્ટરપિસ નથી પરંતુ આ ફિલ્મને પ્રથમ ક્ક્ષાની-અ ગ્રેડની ફિલ્મ જરૂર ગણી શકાય. આ ફિલ્મ હિન્દુઓની કાયરતાની અને બેફિકરાઈની વાત કરે છે. પંડિતોએ હિજરત કરવી પડી ત્યારે વડાપ્રધાન તો ઘોર હિન્દુવિરોધી અને ગૃહમંત્રી તરીકે ત્રાસવાદી તરફી મુફતી મોહમ્મદ સૈયદ હતાં. પણ દેશનાં હિન્દુઓ ત્યારે કેમ ઊંઘતા રહ્યાં? તેઓ સડક પર કેમ ન ઉતર્યાં? પંડિતો દાયકાઓથી નિરાશ્રીતોની છાવણીમાં શા માટે સબડી રહ્યાં છે? આપણી સરકારોએ તેમનાં માટે શું કર્યું? સંસ્થાઓએ શું કર્યું? આપણે શું કર્યું? ‘કશ્મીર ફાઈલ્સ’ એટલાં માટે પણ જોવું જોઈએ કે, ભવિષ્યમાં આપણને આપણાં વતનમાંથી કોઈ બેઘર ન કરી શકે, કોઈ આપણને હિજરત કરવાની ફરજ ન પાડે.
- Advertisement -
રાહ શેની છે?
સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના સ્પેશિયલ શો યોજવા જોઈએ
ગુજરાત સરકારે ધી કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને ટેક્સ ફ્રી કરી હોવાની જાહેરાત કરી છે. વધુને વધુ લોકો આ ફિલ્મ દ્વારા કાશ્મીરના ઈતિહાસ અને કશ્મીરી પંડિતોની શહાદત વિશે માહિતગાર થઈ શકે તે હેતુસર ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશમાં ધી કશ્મીર ફાઈલ્સ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મ ટેક્સ ફ્રી થતા સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓએ આ ખાસ ફિલ્મના ખાસ શો યોજવા જોઈએ. રાજકોટની ઘણી સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ મનોરંજન પીરસતા નાટકનાં શો યોજતી હોય છે, એ જ રીતે હવે આ યોગ્ય સમય છે જ્યારે સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓએ આગળ આવીને ઈતિહાસની સાચી સમજ આપતી કરમુક્ત થયેલી ફિલ્મ ધી કાશ્મીર ફાઈલ્સના શો યોજવામાં જોઈશે. આ ફિલ્મ વર્તમાન અને ભાવી પેઢીને ઘણી જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. યુવાનોથી લઈ વૃદ્ધો સુધી સૌએ જોવા-સમજવા જેવી છે.આ ફિલ્મમાં આર્ટિકલ 370થી લઈને કાશ્મીરના ઈતિહાસને સમાવામાં આવ્યો છે તેમજ કાશ્મીરી પંડિતોનાં કત્લઆમ તથા તેમને 1990ના વર્ષમાં કઈ રીતે પોતાના ઘર, શહેર, રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, કે કાશ્મીરી પંડિતોને હિજરત કરવાની ફરજ પડી હતી તે વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે.