સોમનાથ સંભવિત કોરિડોરને લઇ પ્રભાસ પાટણના લોકોનું પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદન
ફોનમાં સંપાદનને લઇ ધમકીઓ મળી રહી છે.. જો યોગ્ય વળતર નહીં તો લડી લેવાનું એલાન
- Advertisement -
ભીખ માંગી લેશું પણ મકાન નહીં આપીએ: સ્થાનિક મહિલા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.6
યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર પાસે પ્રસ્તાવિત કોરિડોર પ્રોજેક્ટને લઈને સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની હિલચાલ તેજ થતાં, પ્રભાવિત વિસ્તારના લોકોને નોટિસો આપવામાં આવી છે, જેના કારણે લોકોમાં રોષની લાગણી ઉભરી છે. આજે પ્રભાસ પાટણના વિવિધ સમાજના લોકોએ એકઠા થઈને વેરાવળ પ્રાંત કચેરી ખાતે પહોંચીને રોષપૂર્ણ રીતે આવેદનપત્ર પાઠવ્યું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે, સોમનાથ ટ્રસ્ટ જમીનો કબજે કરીને હમીરજી સર્કલ સુધી પહોંચી ગયું છે અને હવે તેમને બેઘર કરવા માંગે છે. લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “અમે ભીખ માંગી લઈશું પણ મકાન નહીં આપીએ.” લોકોની મુખ્ય માંગ એ છે કે તેમને યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે. જો વળતર અંગે કોઈ સ્પષ્ટતા ન થાય તો તેમને કોરિડોરની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ લાંબા સમયથી ચર્ચામાં છે અને તેના કુલ 7 તબક્કા હોવાનું માનવામાં આવે છે. જોકે, પ્રોજેક્ટની કામગીરી વેગવંતી બન્યા બાદ પણ વળતર અંગે કોઈ સ્પષ્ટતા ન થતાં લોકોમાં મૂંઝવણ અને વિરોધની લાગણી ફેલાઈ છે.
- Advertisement -
384 પ્રોપર્ટી ધારકો સાથે વાટાઘાટો શરૂ, એકતરફી કાર્યવાહી નહીં થાય
ડેપ્યુટી કલેક્ટરની લોકોને યોગ્ય વળતરની ખાતરી
સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ માટે જમીન સંપાદન મામલે સ્થાનિકોના વિરોધ બાદ ડેપ્યુટી કલેક્ટરે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, કોઈ પણ પ્રકારની એકતરફી કાર્યવાહી કરવામાં આવશે નહીં અને સરકાર દ્વારા યોગ્ય વળતરની કિંમત જાહેર કરવામાં આવશે. પ્રાંત અધિકારી વિનોદ જોષીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મંદિરની આસપાસ 25,000 ચોરસ મીટર જગ્યા આવેલી છે, જેમાં 384 જેટલા પ્રોપર્ટી ધારકો છે. આ તમામ પ્રોપર્ટી ધારકો સાથે વાટાઘાટો ચાલી રહી છે. ડેપ્યુટી કલેક્ટરે લોકોના વિરોધ અંગે જણાવ્યું કે, “અમે ગઈકાલે તેમની રજૂઆતો સાંભળી છે. એકતરફી કાર્યવાહી નહીં થાય. બંને પક્ષો વચ્ચે યોગ્ય નિર્ણય કરવામાં આવશે અને સરકાર દ્વારા યોગ્ય કિંમત જાહેર કરવામાં આવશે.” ધમકીના આરોપ મામલે તેમણે કહ્યું કે, “કોઈને પ્રેશર આપવામાં આવ્યું નથી, પરંતુ આ મુદ્દે અત્યાર સુધીમાં પાંચ મિટિંગો થઈ છે, જેમાં લોકોને સમજાવવામાં આવી રહ્યા છે.” આ નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે તંત્ર લોકોને વિશ્વાસમાં લઈને આગળવધવામાંગેછે.