ગ્રીક ચર્ચની 1600 વર્ષ જૂની ઈમારત પણ ધ્વસ્ત: ચર્ચમાં વિસ્થાપિત પરિવારોએ આશરો લીધો હતો
ખાસ-ખબર સંવાદદાતા
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં અત્યાર સુધીમાં ગાઝા પટ્ટીમાં રહેતા 25000 જેટલા લોકોના મોત થયા છે. ગાઝામાં ઈમારતોને પણ પારાવાર નુકસાન થયુ છે અને તેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. બીજી તરફ ગાઝાની 1000 મસ્જિદો પણ ઈઝરાયેલના બોમ્બમારામાં તબાહ થઈ હોવાનુ પેલેસ્ટાઈનના ધાર્મિક બાબતોના મંત્રાયલે કહ્યુ છે. મંત્રાલયના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં 1000 મસ્જિદોને ધ્વસ્ત કરવામાં આવી છે અને ઈઝરાયેલી સેનાએ ડઝનબંધ કબ્રસ્તાનોને પણ ક્ષતિ પહોંચાડી છે. તુટી ગયેલા મસ્જિદોના નિર્માણમાં 500 મિલિયન ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે.
મંત્રાલયના કહેવા પ્રમાણે મસ્જિદોની સાથે સાથે સેન્ટ પોર્ફિરિયસ ગ્રીક ઓર્થોડોક્ટ ચર્ચ, ધાર્મિક સમિતિની ઈમારતો, કુરાનનુ શિક્ષણ આપતી સ્કૂલો, ઈસ્લામિક એન્ડોમેન્ટ બેન્કની મુખ્ય ઓફિસ જેવી ઈમારતો પણ ધરાશાયી થઈ ચકી છે. ગ્રાઉન્ડ એટેક શરૂ કર્યા બાદ ઈઝરાયેલની સેનાએ 100 જેટલી ધાર્મિક હસ્તીઓને પણ મોતને ઘાટ ઉતારી છે. જેમાં ઈસ્લામના વિદ્વાનો, ઉપદેશકો, ઈમામોનો સમાવેશ થાય છે.
મંત્રાલયે તો ચોંકાવનારો આરોપ મુકતા કહ્યુ છે કે, કબ્રસ્તાનોને નુકસાન પહોંચાડવાની સાથે સાથે ઈઝરાયેલના સૈનિકોએ કબરોમાંથી મૃતદેહો બહાર કાઢીને તેને પણ નુકસાન પહોંચાડ્યુ છે.
મંત્રાલયના દાવા પ્રમાણે ઈઝરાયેલે તબાહ કરેલી મસ્જિદોમાં 1400 વર્ષ જૂની અને પેલેસ્ટાઈનની સૌથી મોટી પૈકીની એક અલ ઓમારી મસ્જિદનો પણ સમાવેશ થાય છે. સાથે સાથે જે ગ્રીક ચર્ચની ઈમારત હુમલામાં તુટી પડી છે તે પણ 1600 વર્ષ જૂની હતી.આ ચર્ચમાં વિસ્થાપિત પરિવારોએ આશરો લીધો હતો.