હત્યા, હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ સહિત 25 ગુનાઓમાં સંડોવણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુનેગારો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા ગૃહ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી, જે બાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા નામચીન શખસો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન આજે રાજકોટ પોલીસ કમિશનરે લિસ્ટેડ બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી વિરુધ્ધ સાતમી વખત પાસા હેઠળ કાર્યવાહી કરી અમદાવાદ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે અલ્તાફ ઉર્ફે છ આંગળી વિરૂધ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, જુગાર, દારૂ સહિતના 25 જેટલા ગુના નોંધાયેલ છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેરમાં દારૂની બદી નેસ્તનાબૂદ કરવા અને દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલા શખસો વિરૂદ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની આપેલ સૂચના આધારે પીસીબી ઙઈં મેહુલ ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમે વિદેશી દારૂના અસંખ્ય ગુનામાં પકડાયેલ લિસ્ટેડ બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફ થૈઈમ (ઉ.વ.46) વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલાતા પાસા દરખાસ્ત મંજૂર કરી આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ મોકલવાનો આદેશ કરતા પીસીબીની ટીમે લિસ્ટેડ બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળીને પકડી પાડી જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે, બુટલેગર અલ્તાફ વિરૂદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, જુગાર તેમજ દારૂના મળી 25 જેટલા ગુના અલગ-અલગ પોલીસ મથકમાં નોંધાયેલ છે તેમજ અગાઉ બુટલેગર છ વખત રાજયની પાલનપુર, સુરત, ગોધરા સહિતની જેલમાં પાસા હેઠળ જેલયાત્રા કરી ચૂક્યો છે.