ભારતીય વાસ્તુ પરંપરાની અંદર પંચતત્ત્વો (જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ અને આકાશ)નું ખૂબ જ મહત્ત્વ છે અને આ પંચતત્ત્વોનું સંતુલન આપણા શરીરમાં અને આપણી રહેવાની જગ્યામાં થવું ખૂબ જ આવશ્યક છે. જે આપણી શારીરિક, માનસિક અને આર્થિક સમૃદ્ધિમાં ખૂબ મોટો ભાગ ભજવે છે, અને આ પાંચ તત્ત્વોમાં પણ વિશેષ મહત્ત્વ ધરાવતું તત્ત્વ એટલે કે જળતત્ત્વ. પાણી એ સતત ગતિશીલતાનો ગુણધર્મ ધરાવે છે. વાસ્તુ મુજબ વિકાસ અને સમૃદ્ધિ માટે જળતત્ત્વ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય જગ્યાએ હોવું ખૂબ જ જરૂરી છે.
પાણી એ પોતે જીવંતતાનો પણ અદ્ભુત ગુણ ધરાવે છે અને એટલે જ બેભાન કે બેહોશ થયેલી વ્યક્તિ પર આપણે પાણી છાંટી તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતાં હોઈએ છીએ. સદીઓથી પાણી એ મનુષ્ય જીવનની વ્યવસ્થાની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું આવ્યું છે. ઈતિહાસ તપાસીએ તો મોટાભાગના વિકસિત શહેરો આપણને સમુદ્ર કિનારે જોવા મળશે. થોડાં દસકાઓ પૂર્વે ભારતમાં નદીઓ બારે માસ વહેતી હતી અને લોકોની રોજબરોજની પાણીની જરૂરિયાત નદીના પાણીથી જ સંતોષાઈ જતી હતી. આ ઉપરાંત દરેક ગામની અંદર પણ કૂવા બનાવવામાં આવતાં અને ખેતી માટે ખેડૂતો દ્વારા વાડીમાં પણ કૂવા ગાળવામાં આવતાં હતાં. કાળક્રમે બાંધકામનો વિકાસ થયો અને લોકો ફકત ગ્રાઉન્ડ ફ્લોરના બદલે બહુમાળી બિલ્ડિંગ બનાવવા લાગ્યા. આ ઉપરાંત ઈલેક્ટ્રિસિટીની સગવડના પરિણામે ઓવરહેડ વૉટર ટેન્ક શક્ય બની.
વાચકમિત્રો સમજી જ ગયા હશે કે આજના વાસ્તુ વિશેના અંકમાં આપણે પાણીની જરૂરિયાત માટે અંડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ વૉટર સ્ટોરેજ તથા બોર અને કૂવા વિશે વિસ્તારથી ચર્ચા કરવાના છીએ.
વાસ્તુમાં રસ ધરાવતાં વાચકમિત્રોને લેખની શરૂઆતમાં જ એક વાત ખાસ કહીશ કે અંડર ગ્રાઉન્ડ વૉટર ટેન્ક અને ઓવરહેડ વૉટર ટેન્ક વચ્ચેનો ભેદ સૌ પ્રથમ સમજવો જોઈએ. જમીનની નીચે પાણીના સ્ટોરેજની જે વ્યવસ્થા આપે કરેલ હોય તો તેને અંડર ગ્રાઉન્ડ પાણીનો ટાંકો કહે છે અને જો આપે ઘરની છત પર પાણીના સ્ટોરેજ માટે ટાંકો બનાવેલ છે તો તેને ઓવરહેડ વૉટર ટેન્ક કહે છે.
આપની જગ્યામાં કૂવો કે બોર કરવા માટે ઈશાન ખૂણાથી લઈ પૂર્વ દિશાના મધ્ય ભાગ સુધી કે પછી ઈશાન ખૂણાથી લઈ ઉત્તર દિશાના મધ્ય ભાગ સુધીની જગ્યાની પસંદગી કરવી. અનુસંધાન પાના નં. 6 પર
આપની જગ્યામાં કૂવો કે બોર કરવા માટે ઈશાન ખૂણાથી લઈ પૂર્વ દિશાના મધ્ય ભાગ સુધી કે પછી ઈશાન ખૂણાથી લઈ ઉત્તર દિશાના મધ્ય ભાગ સુધીની જગ્યાની પસંદગી કરવી
- Advertisement -
અંડર ગ્રાઉન્ડ તથા ઓવરહેડ વૉટર ટેન્ક કઈ જગ્યાએ રાખવી?
તેમાં પણ જો ઈશાન ખૂણાની આસપાસ જ બોર કરી શકાતો હોય તો તે સૌથી ઉત્તમ રહેશે.
વાસ્તુ પ્રમાણે બોરિંગની દિશા, કૂવા કરવા માટેની યોગ્ય દિશા, અંડર ગ્રાઉન્ડ વૉટર ટેન્ક તથા ઓવરહેડ વૉટર ટેન્ક કઈ જગ્યાએ રાખવી? તે ચિત્ર દ્વારા સમજાવવામાં આવેલ છે, ફકત આપની દિશા સાથે તેને મેચ કરી આગળ વધશો.
ઘણાં કિસ્સાઓની અંદર એવું પણ જોવામાં આવ્યું છે કે પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં બોર કરાવ્યા હોય પણ તેમાંથી પાણી ન નીકળ્યું હોય એટલે કે ત્યાં જમીનની નીચે પાણીનું વહેણ જ ન હોય અને અન્ય પશ્ર્ચિમ કે દક્ષિણ દિશાના બોરમાં સારી માત્રામાં પાણી મળ્યું હોય. આજના સમયમાં સ્વાભાવિકપણે પાણીની વિપુલ જરૂરિયાતને કારણે બોર પણ ખૂબ ઊંડા કરવા પડે છે અને કોઈ વખત વાસ્તુ વિરૂદ્ધની દિશામાં બોર કરવો પડતો હોય છે. આવા કિસ્સાઓમાં મારી ખાસ સલાહ છે કે જે લોકોને બોર વાસ્તુ મુજબ નથી અને પૂર્વ ઈશાન કે ઉત્તર દિશાના બોરમાં પાણી નથી મળી રહ્યું તે લોકોએ અંડર ગ્રાઉન્ડ વૉટર ટેન્ક તો ખાસ પૂર્વ ઉત્તર કે ઈશાન ખૂણામાં જ બનાવવી.
ઘણાં લોકો વાસ્તુ વિષયને પૂરી રીતે સમજી શક્યા ન હોવાને પરિણામે એક ભૂલ એ કરતાં હોય છે કે ઈશાન ખૂણો ઉત્તર દિશા કે પૂર્વ દિશામાં પાણી યોગ્ય છે પરંતુ તે અંડર ગ્રાઉન્ડ હોવું જોઈએ. લોકો ભૂલ એ કરે છે કે પાણીનો બોર અને અંડર ગ્રાઉન્ડ વૉટર ટેન્ક તો ઈશાન ખૂણામાં બનાવે છે પરંતુ સાથોસાથ ઓવરહેડ ટેન્ક વૉટર ટેન્ક પણ ઈશાન ખૂણામાં રાખતાં હોય છે જે યોગ્ય નથી. જો આવી ભૂલ આપે કરી હોય તો આપ છત પર રહેલી વૉટર ટેન્કરને ખાસ નૈઋત્ય ખૂણામાં એટલે કે સાઉથ વેસ્ટ કોર્નરમાં શિફ્ટ કરી નાખશો.
બીજી એક મહત્ત્વની વાત. નવા બાંધકામ કરી રહેલા લોકો માટે આપણે આગલા લેખોમાં પણ કહેલું છે કે તમારો સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય ખૂણો ઊંચાઈમાં સૌથી વધારે હોય તે ખૂબ જરૂરી છે અને છત પર પણ આપનો ઈશાન ખૂણો સૌથી નીચો હોવો જોઈએ.
પ્રવર્તમાન સમયમાં વીજળી માટે આપણે ઘરની છત પર સોલાર રુફટોપ લગાવવું ખૂબ જ સામાન્ય થઈ ચૂક્યું છે અને ગરમ પાણી માટે સોલર પેનલ પણ લગભગ દરેક ઘરોની અંદર જોવા મળતી હોય છે. એ વાતનો ખાસ ખ્યાલ રાખવો કે ઓવરહેડ પાણીની ટાંકી અને નૈઋત્ય ખૂણામાં એટલી ઊંચી રાખવી કે તેની ઊંચાઈ સોલાર રુફટોપની પેનલથી વધારે ઊંચી હોય.
આવનારા સમયમાં વિશ્ર્વ આખું પાણીના અભાવ સામે ઝઝૂમવાનું છે, તેવો વર્તારો અત્યારથી જ બધા બુદ્ધિજીવીઓ કરી રહ્યા છે અને પાણીનો બચાવ કરવો એ સૃષ્ટિના બચાવ કરવાની વાત છે. પાણી વગરના મનુષ્ય જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. વરસાદી સમયમાં વૉટર હાર્વેસ્ટિંગથી પાણીનો સંગ્રહ કરી શકાય છે. આ માટે આપના ઘર, બિલ્ડિંગ કે કારખાનાઓની અંદર પૂર્વ અને ઉત્તર દિશામાં પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકી બનાવી તેમાં તેનો સંગ્રહ કરવો અને પ્રકૃતિની સેવા કરવી.
* ઓવરહેડ પાણીની ટાંકી માટેનો શ્રેષ્ઠ આકાર ગોળાકાર કે અંડાકાર છે.
* અંડર ગ્રાઉન્ડ કે ઓવરહેડ વૉટર ટેન્ક ક્યારેય પણ ઘરની મધ્યમાં એટલે કે બ્રહ્મસ્થાન પર રાખવી નહીં.
* પાણીની ટાંકીના નળમાં જો લીકેજ હોય તો તે તાત્કાલિક રિપેર કરાવશો.
* તૂટેલી કે ડેમેજ થયેલી ટાંકીનો ઉપયોગ ન કરતાં તેને તાત્કાલિક બદલવી.
* ચોક્કસ સમયના અંતરે પાણીની ટાંકીઓની સફાઈ કરાવતાં રહેવી.
* અગ્નિ ખૂણામાં રહેલી અંડર ગ્રાઉન્ડ કે ઓવર હેડ વૉટર ટેન્ક ઘરની સ્ત્રીઓ અને તમારી આર્થિક બાબતોને નકારાત્મક અસર આપી શકે છે.
* ઈન્ડસ્ટ્રીયલ યુનિટની અંદર જો અગ્નિ ખૂણામાં પાણીનો બોર, કુવો કે પછી અંડર ગ્રાઉન્ડ વૉટર ટેન્ક રાખવામાં આવશે તો પ્રોડકશન પર વિપરિત અસર આવશે.
* ઈન્ડસ્ટ્રીયલ યુનિટમાં ઉત્તર દિશામાં રહેલી ઓવરહેડ વૉટર ટેન્ક અચાનક આર્થિક સંકટો આપે છે.
* ઔદ્યોગિક એકમોની અંદર ઘણાં ઉદ્યોગો એવા હોય છે કે તેઓએ ઈમરજન્સી ઉપયોગ માટે પોતાની જગ્યાની અંદર જ મોટી પાણીની ટેન્ક બનાવવી પડતી હોય છે. તેઓએ વાસ્તુ નિષ્ણાતની સલાહને અનુસરીને યોગ્ય જગ્યાએ પાણીની ટાંકી બનાવવી.
* જો ઓવરહેડ પાણીની ટાંકી નૈઋત્ય ખૂણામાં શક્ય ન હોય તો દક્ષિણ કે પશ્ર્ચિમ દિશામાં રાખી શકાય, પરંતુ નૈઋત્ય ખૂણામાં અન્ય બાંધકામ કરી તેને ઊંચો રાખવો.
* જો નૈઋત્ય ખૂણામાં અંડર ગ્રાઉન્ડ એટલે કે જમીનની નીચે પાણીની ટાંકી બનાવશો તો તે મકાન માલિકને શારીરિક- માનસિક વ્યાધિ કરાવશે.
રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.