માનવીને આદર્શ સમાજની જરૂરિયાતો હોય છે અને એના સર્જન માટે તે હંમેશા પ્રયત્નશીલ રહે છે ધર્મ એમાં સહાયભૂત થાય છે. ધર્મ પોતાના અનુયાયીઓને પવિત્ર કાર્યો કરવા જણાવે છે. ધર્મ વ્યક્તિ ને દરજ્જો અને માન્યતા અર્પે છે. ધર્મ એક સામાજિક ઘટના છે. સમાજના મોટાભાગના ઉત્તમ વિચારો ધર્મ માંથી મળે છે. સમાજની મહત્વની સામાજિક સંસ્થાઓનો ઉદભવ ધર્મમાંથી થાય છે. ભારતમાં ધાર્મિક વિશ્વાસની સહિષ્ણુતા અને વિવિધતાની સ્વીકૃતિ ઉદાહરણરૂપ છે. બહુ ધર્મી ભારતમાં બધી જાતિના લોકો પોતાની ધાર્મિક શ્રદ્ધાને માનવા અને સુરક્ષિત રાખવા સ્વતંત્ર છે. ભારતનું બંધારણ સમુદાયના ધાર્મિક નિયમોનું સન્માન કરે છે.
- Advertisement -
ડો.પંકજકુમાર મુછડીયા જણાવે છે કે ભારતના બંધારણની કલમ ૨૫ (૧) દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્રતાપૂર્વક સ્વીકારવા વ્યવહારમાં લાવવા તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર આપે છે. સમૂહજીવન ધર્મનું પ્રબળ કારણ છે. ધર્મ સામૂહિક ચેતનાનું પ્રતીક છે. ધર્મ માનવ જીવનનો એક અભિન્ન ભાગ છે. ધર્મ વડે માનવી જીવન દ્રષ્ટિ કેળવી શકે છે અને જીવનને સાર્થક બનાવી શકે છે. ધર્મ મનુષ્યને સાચા માનવ તરીકે જીવન જીવવાની સમજણ શક્તિ આપનાર અંતરદ્રષ્ટિ છે. જીવન કેમ જીવવું, નીતિ, સત્યને પાળવા માટે શું કરવું તેની શીખ ધર્મ આપે છે. ધર્મ માનવ હૃદયમાં વસવાટ કરે છે. જ્યાં કોઈ નાનું કે મોટું નથી ગરીબ કે તવંગર નથી છૂત કે અછૂત નથી સાકાર કે નિરાકાર નથી ત્યાં કોઈ સ્ત્રી કે પુરુષના ભેદ પણ નથી. માનવજીવન સાથે સત્ય અહિંસા પ્રેમ દયા કરુણા વગેરેના ગુણો સભર ભર્યા છે ને જીવન સંસ્કારોથી મહેકી રહ્યું છે તે ધર્મ છે.
માનવીનો જન્મ થયો ત્યારથી ધર્મ તેની સાથે કોઈને કોઈ રૂપમાં જોડાયેલો રહ્યો છે. ધર્મ એ વ્યક્તિને સમાજ અને રાષ્ટ્રને સમગ્ર જીવનને ધારણ કરનાર રક્ષણ કરનાર શક્તિ છે. ધર્મ મનુષ્ય માટે છે મનુષ્ય ધર્મ માટે નહીં. ધર્મ એ મૂળભૂત રીતે સિદ્ધાંતોની બાબત છે નિયમોની બાબત નથી જે ક્ષણે ધર્મમાં નિયમો પ્રવેશે છે એ ક્ષણે ધર્મ પાંગળો થઈ જાય છે અને તેની જવાબદારી ખતમ થઇ જાય છે. વ્યક્તિના સ્વત્વને પોષક એવું વાતાવરણ ઉત્પન્ન કરે એવી ધર્મની મૂળભૂત કલ્પના હોવી જોઈએ. દરેક ધર્મનો પોતાના દેશની સંસ્કૃતિ સાથે અવિભાજ્ય સંબંધ હોય છે. ધર્મ માનવ ઈતિહાસનું એક અત્યંત શક્તિશાળી માધ્યમ છે એણે રાષ્ટ્રનું નિર્માણ કરાવ્યુ છે. તેણે સૌથી સહાસીક પરાક્રમી કાર્ય આત્મબળ ત્યાગ અને નિષ્ઠાની ભાવનાને પ્રેરિત કરી છે. ધર્મના કારણે રાષ્ટ્રમાં સ્વતંત્રતા સુખ અને શાંતિ આવી છે.