રાજકીય ઓથ અને તંત્ર મહેરબાન જેથી ખનિજ માફિયાઓ પહેલવાન
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલા ત્રણ દશકાથી શરૂ થયેલ ગેરકાયદેસર કોલસાના ખનનનો ખેલ આજેય યથાવત સ્થિતિમાં જોવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, થાનગઢ, અને સાયલા પંથકમાં ચાલતા આ ગેરકાયદેસર કોલસાના કાળા કારોબારમાં ખનિજ માફિયાઓની જ મહેનત સાથે રાજકીય ઓથ અને તંત્ર પણ એટલુંજ મહેરબાન હશે જેથી આજેય કોલસાનું ખનન અટકવાનું નામ નથી લેતો ત્યારે જે પ્રકારે ખનિજ ચોરી કરી કરોડો કમાતા ખનીજ માફિયાઓને તંત્રનો કોઈ ડર નથી તે પ્રકારે હવે ખનિજ માફિયાઓને શ્રમિકોના મોતની પણ પરવાહ નહીં હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
દર વર્ષે કોલસાની ખનિજ ચોરી કરતા કૂવામાં આશરે વીસથી પણ વધુ શ્રમિકો મોતને ભેટે છે જેમાં ભાગ્યે જ ફરિયાદ થાય તો સારી બાબત બાકી તો ખનિજ માફીયાઓ તંત્રની માફક મૃતકના પરિવારજનો સાથે પણ મોતની બોલી બોલે છે. મોતનો સોદો થયા બાદ પણ નીંભર તંત્ર હું કે તું ભણતું નથી અને ખનિજ માફિયાઓના ઈશારા પર નાચવા તૈયાર રહે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં થતા કોલસાના ખનનમાં તંત્રને પણ કઈક ફાયદો થતો હશે ? જેના લીધે માનવ જીવનની પરવાહ કર્યા વગર તંત્રના અધિકારીઓ શ્રમિકોના મોતનો મલાજો પણ જાળવતા નથી. આ પ્રકારે અનેક શ્રમિકોના મોત બાદ હવે કોલસાની ખાણમાં માનવ જીવન સાવ સસ્તું થઈ ચૂક્યું છે.



