વઢવાણને હેરિટેજ સિટી બનાવવા સાથે ગઢને પણ મહત્ત્વ અપાય તેવી લોકોની માગણી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર સાથે જોડાયેલ ઐતિહાસિક વઢવાણ શહેરમાં ફરતે 2614 મીટર લંબાઇનો કિલ્લો આવેલો છે. આ ગઢની દિવાલો અનેક જગ્યાએથી તુટી ગઇ હોવાથી મરામત ઝંખે છે. મનપાના બજેટમાં વઢવાણને હેરીટેજ સીટી બનાવવા નક્કી કરાયુ છે ત્યારે અન્ય સ્થળો સાથે ગઢને પણ મહત્વ આપી રીપેર કરાવાય તેવી લોકમાંગ ઉઠી છે. સુરેન્દ્રનગરના પિતૃશહેર તરીકે ઓળખ ધરાવતા વઢવાણ નગરની ફરતે ગઢ આવેલો છે. વઢવાણનો આ મજબૂત કિલ્લો રાજા સિધ્ધરાજે ઇ.સ.1141ની આસપાસ બંધાવ્યો હોવાનું કહેવાય છે. આ ગઢની લંબાઇ 2614 મીટર છે. ગઢની દિવાલનો પાયો 7 થી 8 મીટર ઉંડો છે.આ કિલ્લાની દિવાલની જાડાઇ ત્રણ મીટર છે.ગઢમાં 14 કોઠાઓ 11 મીટર પહોળાઇ ધરાવે છે. ગઢમાં સાત દરવાજા અને એક બારી છે. આ કિલ્લો કાળની થપાટોથી જર્જરિત થયો છે. ઐતિહાસિક અને પુરાતત્વિય મહત્વ ધરાવતા વઢવાણના કિલ્લાની દિવાલ હાલ અમુક જગ્યાએથી તુટી ગઇ હોવાથી તેને ફરીથી રીપેર કરાવવી જરૂરી બની છે. મનપાના વાર્ષિક બજેટમાં વઢવાણને હેરીટેજ સીટી તરીકે વિકસાવીને વઢવાણની ઘણી ઐતિહાસિક ઇમારતોને સાચવવાનું નક્કી કરાયુ છે ત્યારે અન્ય મંદિરો અને વાવ તેમજ મહેલની સાથે સાથે ગઢને પણ યોગ્ય મહત્વ આપીને સત્વરે રીપેર કરાવાય તેવી લાગણી વઢવાણના શહેરીજનોએ વ્યકત કરી હીત અને જરૂર પડે તો મનપા કમીશનરને લેખિત આવેદન પાઠવવાની તૈયારી દર્શાવી હતી.