ખાસ-ખબર ન્યૂઝ રાજુલા,
રાજુલા શહેરમાં 14 ધાર્મિક મંદિરોનું ડીમોલેશનની ગતિવિધિને લઇ આ મુદે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ એકઠો થયો હતો. જે બાદ જય શ્રીરામના નારા સાથે વિશાળ રેલી પ્રાંત કચેરી સુધી યોજી હતી. અને પ્રાંત કચેરીનો ધેરાવો કર્યો હતો. ત્યારબાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમા જણાવ્યું હતુ કે, રાજુલા શહેરમાં હિન્દુ સમાજના દેવી-દેવતાઓને પુજતા હોઈએ છીએ. અને અમારા દેવી-દેવતાઓના ધાર્મિક મંદિરો ખુબજ પૌરાણીક સ્થાપીત હોય અને આ મંદિરો અમારી આસ્થાનું પ્રતિક છે.
અને આ અમારી આસ્થાને છીન્ન-ભીન્ન કરવા માટે કાર્યવાહી થઈ રહી છે. જેથી સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે. અમોને જાણવા મળેલ છે કે, રાજુલાના કુલ-14 મંદિરોને ડીમોલેશન માટેની કાર્યવાહી થઈ રહી છે. જેમા શહેરમાં આવેલ છબીલા હનુમાન, હઠીલા હનુમાન, હોળીયા હનુમાન, ખેતાગાળાનું ખોડીયાર મંદિર સહિત વિવિધ ધાર્મિક મંદિરો તોડી પાડવાને લઇ હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ બાબતે આવી કોઈ ડીમોલેશનની કાર્યવાહી કરવામા ન આવે તેવી માંગ કરી હતી. આમ છતાંપણ આવી કોઈ ડીમોલેશનની કાર્યવાહી થશે તો અચોકકસ મુદત સુધી રાજુલા શહેર બંધ રાખવાની તથા સમસ્ત હિન્દુ સમાજ ઉપવાસ ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.