હિન્દુઓને છરી બતાવનાર સોહિલ સાળને હથિયાર સાથે ઝડપી લઈ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના પડધરીમાં ગતરાત્રે માતાજીના કાર્યક્રમમાં 200 જેટલા વિધર્મીઓનું ટોળું આવી ચઢ્યું હતું. વિધર્મીઓ સાથે અહીં આવેલા સોહિલ સલિમ સાળ નામના એક શખ્સે હિન્દુઓને છરી બતાવી ભેગા ન થવાની ધાક-ધમકી આપી હતી. આ મામલે પોલીસે સોહિલ સાળને દબોચી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. પડધરીના લીમડા ચોક – અયોધ્યા ચોકમાં માતાજીના તાવાની પ્રસાદીનાં કાર્યક્રમમાં આવીને વિધર્મીઓ વિફરતા ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી તુરત એલસીબી અને એસઓજીની ટીમો ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી અને હિન્દુઓને છરી બતાવી ભેગા ન થવાની ધમકી આપનાર એક વિધર્મી શખ્સની ધરપકડ કરી કાર્યવાહી કરતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો એવું જાણવા મળી રહ્યું છે. જોકે હાલ પણ પડધરી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી વિગત મુજબ પડધરીના મુખ્ય દરવાજા પાસે લીમડા ચોક – અયોધ્યા ચોક તરીકે ઓળખાતા વિસ્તારમાં બે કોમના ધાર્મિક સ્થાનો નજીકમાં જ આવેલા છે. જ્યાં અગાઉ જગ્યા બાબતે અને ધાર્મિક સંગીત વગાડવા બાબતે દિવાળી વખતે બબાલ થયેલી હતી. એ વખતે સ્થાનિક આગેવાનોની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો.
- Advertisement -
પડધરીમાં LCB, SOG સહિતના સ્ટાફના ધામા
ગતરાત્રે ફરી એ જ સ્થાને માતાજીના તાવાની પ્રસાદીનો ધાર્મિક પ્રસંગ હતો. જ્યારે બીજા ધાર્મિક સ્થાને પણ ભોજન પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જેથી ફરી કોઇ અણબનાવ ન બને તે માટે અગાઉથી જ પોલીસની હાજરી હતી. ત્યાં જ એક વિધર્મી શખ્સ ઉશ્કેરાટ બતાવી બોલાચાલી કરવા લાગેલો અને છરી બતાવી હોવાનો પણ આક્ષેપ છે. આ વખતે હાજર પોલીસ સ્ટાફે તમામને અટકાવ્યા હતા. જોતજોતામાં બન્ને કોમ તરફે લોકોના ટોળા એકત્ર થયા હતા. પડધરીમાં તંગદીલીનો માહોલ સર્જાતા પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં પોલીસ સ્ટાફે અને સરપંચ સહિતના આગેવાનોએ સમજાવટનો પ્રયત્ન કરતા બન્ને પક્ષે ટોળા છુટ્યા પડ્યા હતા અને વિધર્મી શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો.
- Advertisement -
સોહિલની છરી પર અંગ્રેજીમાં ’AMSUA’ લખેલું હતું
ગતરાત્રે 11.30 વાગ્યે મોવિયાના ઢોરા પાસે આવતો એક વ્યક્તિ શંકાસ્પદ રીતે ઉભો જોવા મળ્યો હતો. પોલીસે આ વ્યક્તિને રોકી તેનું રૂબરૂ નામ પૂછતા તેણે પોતાનુ નામ સોહિલ સલીમભાઈ સાળ હોવાનુ જણાવ્યું હતું. જેને ચેક કરતા તેની પાસેથી એક ધારદાર છરી મળી આવી હતા. જે આશરે એકાદ ફૂટ જેટલી લાંબી હતી. છરી પર અંગ્રેજીમા ’અખજઞઅ’ લખેલું હતું. હાલ હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી સોહિલ સામે જી.પી. એક્ટ કલમ 135, 37(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂની અદાવત કારણભૂત હોવાની ચર્ચા
જાણવા મળતી વિગત મુજબ પડધરીના લીમડા ચોક – અયોધ્યા ચોકમાં મેલડી માતાજીના મંદિર પર લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડવાના મામલે વિધર્મીઓ સાથે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. હિન્દુઓ અને વિધર્મીઓ વચ્ચે દિવાળી પર બોલાચાલી થઈ હતી. ઘણા દિવસથી આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે ગતરોજ પડધરી દરવાજા પાસે આવેલા લીમડા ચોક – અયોધ્યા ચોક તરીકે ઓળખાતી જગ્યા પર હિન્દુ સમાજના લોકોએ માતાજીનો તાવો રાખ્યો હતો. માતાજીના તાવાનો પ્રસાદ ચાલુ હતો ત્યારે નજીકમાં ચાલતા વિધર્મીના ધાર્મિક કાર્યક્રમમાંથી એક ટોળું આવીને હિંદુને છરી બતાવી, ધમકી આપી હુમલો કરવાની કોશિશ કરી હતી. આ જ જગ્યાએ અગાઉ જૂના વિવાદને લઈ શાંતિ જળવાય રહે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો જેથી મામલો વધુ વકર્યો ન હતો પરંતુ આ સમગ્ર બનાવમાં જૂની અદાવત કારણભૂત હોવાની ચર્ચા જાગી છે.
ધાર્મિક સંગીત વગાડવા અને જગ્યા મામલે અગાઉ પણ બબાલ થયેલી: આ વખતે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી
પડધરીના મુખ્ય દરવાજા પાસે લીમડા ચોકમાં મેલડી લીમડાના ઝાડ નીચે મેલડી માતાજીનું મંદિર આવેલું છે. અહીં પાસે વિધર્મીઓની પણ ધાર્મિક જગ્યા આવેલી છે. અહીં અગાઉ ધાર્મિક સંગીત વગાડવા અને જગ્યાના મુદ્દે અવારનવાર ચકમક ઝરતી રહે છે. અગાઉ જ્યારે આ મામલે બબાલ થઈ હતી ત્યારે હનુમાન ચાલીસા વગાડવા માટે મામલતદાર પાસે મંજૂરી પણ માંગવામાં આવી હતી. આ દરમિયાન અહીં ગતરાત્રે એક વિધર્મી શખ્સે છરી બતાવવાનો અને ભેગા ન થવા ધમકી આપ્યાનો આક્ષેપ થયો હોય એક કોમનું ટોળુ મોડી રાત્રે પડધરી પોલીસ મથકે કાર્યવાહી થાય તેવી માંગ સાથે દોડી ગયું હતું. રાત્રે પડધરી પોલીસ મથકમાં ગામના આગેવાનો અને મોટા પ્રમાણમાં યુવાનો પહોંચ્યા હતા. અત્રે પોલીસે આગેવાનો સાથે બેઠક કરી ગામમાં સુલેહ-શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી અને લોકોને અફવાથી દૂર રહેવા પણ અપીલ કરેલી હતી. આ દરમિયાન હાજર લોકોની માંગ હતી કે છરી બતાવનાર શખ્સ સામે કાર્યવાહી થાય અને પોલીસે ગણતરીની મીનીટોમાં જ સોહિલ સલીમ સાળ (ઉ.વ.28, રહે. સાંકળી શેરી, પડધરી)ને છરી સાથે ઝડપી લીધો હતો અને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.