માગણીઓ પૂર્ણ ન થતાં અન્નજળના ત્યાગ સાથે આંદોલન યથાવત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરની ડી.સી.ડબલ્યુ (ઉઈઠ) કંપની સામે કેટલાક કામદારો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન છેડવામાં આવ્યું છે. કામદારોના આક્ષેપ મુજબ કંપની દ્વારા તેમની માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી, જેના વિરોધમાં ગત તા. 27 જાન્યુઆરીથી અન્નજળના ત્યાગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આ આંદોલન શરૂ થયાના એક દિવસ બાદ, તા. 28 જાન્યુઆરીના રોજ છાવણીમાં બેઠેલા મનીષભાઈ સિંધવ નામના આંદોલનકર્તા કામદારની તબિયત અચાનક લથડી હતી. ઘટનાને પગલે તાત્કાલિક રીતે કામદારને ઇમરજન્સી સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. આ તરફ, કામદારની તબિયત બગડવા છતાં અન્ય આંદોલનકર્તા કામદારોએ આંદોલન યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો આંદોલન દરમિયાન કોઈપણ કામદારને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ડી.સી.ડબલ્યુ કંપનીના સત્તાધીશો પર રહેશે. કંપની તંત્ર દ્વારા આ મુદ્દે હજી સુધી કોઈ સ્પષ્ટ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી, ત્યારે આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.



