દુધવા ગામની સગીરાના કેસમાં ધરપકડ કરાયેલા વિક્રમ ઉર્ફે વિકો ભરવાડને નિયમિત જામીન અપાયા
ખાસ-ખબર ન્યૂઝ બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના દુધવા ગામે સગીરાના અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં આરોપી વિક્રમ ઉર્ફે વિકો મફાભાઈ ભરવાડને નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. ગત તા. 27/01/2025ના રોજ દુધવા ગામની 17 વર્ષની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ થયાની ફરિયાદ સુઈગામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપી વિક્રમ ઉર્ફે વિકો ભરવાડ ભોગ બનનારને ભગાડી ગયો હોવાની હકીકત ખુલી હતી. પોલીસને ચોક્કસ બાતમી મળતાં આરોપી અને ભોગ બનનાર રાજકોટ ખાતે આરોપીના સગાના ઘરેથી મળી આવ્યા હતા. ભોગ બનનારના નિવેદન બાદ પોલીસે ફરિયાદમાં બીએનએસની કલમ 87, 64(2)(એમ) તેમજ પોક્સો એક્ટની કલમ 4, 6, 17નો ઉમેરો કર્યો હતો. આરોપીની તા. 20/03/2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા આરોપીને બનાસકાંઠાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરાતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આરોપીએ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થતાં તેણે પોતાના વકીલ મારફત ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારી હતી.
બંને પક્ષકારો વચ્ચેની દલીલો, મૌખિક અને લેખિત પુરાવાઓ, પોલીસ તપાસના કાગળો તેમજ આરોપીના બચાવમાં રજૂ થયેલા નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આરોપી વિક્રમ ઉર્ફે વિકો મફાભાઈ ભરવાડને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ સહિતના રોકાયેલા હતા.