નવરાત્રિનો તહેવાર દરેક શ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધા અને ભક્તિથી ઉજવે છે. પહેલાના સમયમાં વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ ઉજવાતી હતી પરંતુ આજના સમયમાં બે નવરાત્રિ વધુ પ્રચલિત છે વાસંતી નવરાત્ર (ચૈત્રી નવરાત્રિ) અને શારદીય નવરાત્ર (આસો નવરાત્રિ). દેશ-દુનિયામાં જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં-ત્યાં આ નવ દિવસો દરમિયાન ઉલ્લાસમય અને ભક્તિમય રીતે નવરાત્રિ ઉજવવામાં આવે છે. નવરાત્રિ બે શબ્દો – નવ (નવીન) અને રાત્ર (રત્રી)થી બનેલો છે જેનો અર્થ છે નવી શક્તિ અને ઉત્સાહ. આ દિવસોમાં ઘણા ભક્તો વૈષ્ણોદેવી, કામાખ્યા દેવી, વિંધ્યાચલ, જવાળા દેવી વગેરે શક્તિપીઠોમાં માતાના દર્શનો માટે જાય છે. એક પૌરાણિક કથા છે – દેવી પાર્વતીએ એક સમયે ભગવાન શિવને પ્રશ્ન કર્યો કે નવરાત્રિનું મહત્વ શું છે. જેનો જવાબ આપતા ભગવાન શિવશંકરે કહ્યું હતું કે, નવ શક્તિભીહી સંયુક્તમ નવરાત્રમ તદુચ્યતે,
ગરબો એટલે શું?
ગરબો શબ્દ મૂળ સંસ્કૃત ગર્ભદીપ શબ્દ પરથી ઉતરી આવ્યો છે ગર્ભમાં એટલે મધ્યભાગમાં દીપ: એટલે કે દીવો. આજે પણ મધ્યભાગમાં દીવાવાળા ઘડાને ગરબો કહેવામાં આવે છે. જેના મધ્યભાગમાં દીવો છે એવો ઘડો એટલે ગરબો કે જેનું માતાજીના મંદિરમાં સ્થાપન કરવામાં આવે છે જો કે કાળક્રમે એમાંથી દીપ: પદ છૂટી ગયું. અને ગર્ભ:માંથી ગરબો આવ્યો. ગરબો આ શબ્દ નવરાત્રિ દરમ્યાન જુદી જુદી રીતે ઓળખાય છે. ભગવદ્ગોમંડલમાં ગરબો શબ્દનાં અર્થમાં કહ્યું છે કે, માટીની કે ધાતુની બનાવેલી કાણાઓવાળી માટલીની અંદર રહેલા ગર્ભને ગરબો કહે છે. આ કાણાઓમાંથી ગર્ભમાં રહેલ દીપ પોતાનાં તેજોમય પ્રકાશ પાથરે છે. માટીના ગરબાનો અર્થ કાઢતાં આપણાં શાસ્ત્રો કહે છે કે, માટી એ પૃથ્વી તત્વનો ભાગ છે તેમ આપણું શરીર પણ પૃથ્વી તત્વનો એક ભાગ છે. ગરબાનો દીપ તે આપણાં આત્માનું સ્વરૂપ છે. જ્યારે એ આત્મારૂપી દીપમાંથી તેજોમય કિરણો છે જે બહાર પ્રસરીને જગતને આનંદરૂપી પ્રકાશ આપે છે.
- Advertisement -
એકૈબ દેવે – દેવેશી નવધા પરિતિષ્ઠતા.એટલે કે નવરાત્ર નવ શક્તિઓથી જોડાયેલું એક અનુષ્ઠાન છે. પ્રતિ દિવસે જેમાં નવ શક્તિઓના અલગ અલગ રૂપમાં પૂજન કરવામાં આવે છે. માર્કંડેય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ તથા વિષ્ણુ પુરાણ વગેરે ગ્રંથોમાં શારદીય નવરાત્ર એટલે કે આસો નવરાત્ર અને એમાં કરવામાં આવતી પૂજા ઉપાસનાની વિધિ વિધાન વિશેષ ઉલ્લેખ આપવામાં આવ્યો છે.
એક પૌરાણિક કથા અનુસાર શક્તિશાળી અસુર મહિષાસુરે ભગવાન શિવની તપસ્યા કરી. શિવે પ્રસન્ન થઈ દર્શન આપ્યા ત્યારે મહિષાસુરે એમની પાસે અમરત્વનું વરદાન માંગ્યું. ભગવાન શિવે અસુરને વરદાન આપ્યું કે કોઈ દેવતા કે અસુર એની પર વિજય પ્રાપ્ત કરી શકશે નહીં. આ વરદાન મળતાં જ એણે ત્રણે લોકમાં પોતાનું શાસન ચલાવવાનું શરુ કરી દીધું. ઈન્દ્રએ ડરીને ભગવાન શિવને પ્રાર્થના કરી ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાની શક્તિઓને એકત્રિત કરી એક દૈવીય શક્તિ દુર્ગાનું સર્જન કર્યું. કહેવાય છે કે મહિષાસુર અને દેવી વચ્ચે આ યુદ્ધ નવ રાત સુધી ચાલ્યું અને અંતે મા દુર્ગાએ અસુરનું મસ્તક ધડથી અલગ કરી દીધું. દસમા દિવસે બુરાઈનો અચ્છાઈ પર વિજય મેળવવા માટે વિજયાદશમીનો તહેવાર મનાવવામાં આવે છે.
આજથી નવલા નોરતાનો પ્રારંભ: યુવાનોમાં થનગનાટ: તંત્ર એલર્ટ
આજથી મા અંબા આદ્યશક્તિનો નવ દિવસીય તહેવાર નવરાત્રી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે નવરાત્રીની ઝગમગતી રાત્રીઓમાં માતાજીના ગરબે ઝૂમવા માટે યુવા ખેલૈયાઓમાં તૈયાર થઈ ગયા છે. નવરાત્રીનાં રાસ ગરબાને લઈને શાળા-કોલેજથી લઈ શેરી, પાર્ટીપ્લોટમાં આયોજન શરૂ થઈ ચૂક્યા છે. રાજકોટ શહેરમાં ડિસ્કો ડાંડિયા રમવા માટે કાલાવાડ રોડ, 150 ફૂટ રીંગરોડ, રેસકોર્ષથી લઈ ઘણા સ્થળો, મેદાનો અને પાર્ટીપ્લોટ સહિત ચોકેચોકે પારંપરિક ગરબાના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. નવરાત્રીમાં ગરબે ઝૂમવા યુવા ખેલૈયાઓથી લઈ મોટેરા પણ ઉત્સુક અને ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. ડાન્સ ક્લાસમાં નવરાત્રીમાં ગરબે રમવા સ્ટેપ શિખવાડવામાં આવી રહ્યા છે તો બ્યૂટીપાર્લરમાં નવરાત્રીને અનુરૂપ મેકઅપ કરાવવા યુવતીઓ જતી જોઈ શકાય છે. જોકે વર્તમાન મંદી-મોંઘવારીને ધ્યાને લેતા આ વખતે શેરી ગરબાંનો ટ્રેન્ડ વધશે તો બીજી તરફ વર્તમાન આર્થિક કટોકટી અને મંદીને કારણે નવરાત્રીનાં જાજરમાન આયોજન માટે ગરબા ઓર્ગેનાઇઝરો સ્પોન્સરો મળવા મુશ્કેલ બન્યા છે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર પણ એલર્ટ છે. જેમાં ગરબાના સ્થળોએ સીસીટીવી કેમેરા સહિતના સુરક્ષાના ઉપકરણો લગાવવા તેમજ પાર્કિંગ સિક્યુરિટી ચુસ્ત વ્યવસ્થા માટે તૈયારીઓ થઈ ગઈ છે. ખાસ કરીને નવરાત્રીના દિવસો દરમિયાન રાત્રીનાં સમયે પોલીસ ચુસ્ત બંદોબસ્ત અને સતત પેટ્રોલીંગ કરીને શહેરમાં સુરક્ષિત તહેવાર ઉજવાઈ શકે તે માટેનાં પ્રયત્નો હાથ ધરશે અને આવારા તત્વો બહેનો-દીકરીઓને હેરાન-પરેશાન ન કરે તે માટે સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરાશે.
- Advertisement -
નવરાત્રીનાં પ્રારંભ અગાઉમાં જ યાત્રાધામ અંબાજી ખાતે માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
આજથી મા આદ્ય શક્તિની મહિમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રી આવી રહી છે ત્યારે અંબાજી ખાતે મા અંબે માના ધામમાં નવરાત્રી દરમિયાન ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામશે અને ગરબા રૂપે મા શક્તિની આરાધના ભક્તો કરશે. યાત્રાધામ અંબાજી ખાતે નવરાત્રીના અગાઉનાં દિવસોથી જ લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. અંબાજી ધામ ખાતે ચૈત્રી અને આસો એમ બે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આસો મહિનાની નવરાત્રીનું પણ ખાસ મહત્વ રહેલુ હોય છે. નવરાત્રી દરમિયાન યાત્રીકો માટે સુરક્ષાની અને દર્શનની મંદિર દ્વારા ખાસ યોજના કરવામાં આવી છે. જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમા આસો નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આમ, નવ દિવસો દરમિયાન ચાચર ચોકમા ગરબા સ્વરૂપે મા શક્તિની આરાધના થશે. હજારો-લાખો માઇભક્તો માના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવશે માતાજીએ નવરાત્રીમાં રાક્ષસોનો સંહાર કરેલો હોય આ નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે.