કાર્તિકોલોજી: કાર્તિક મહેતા
એક બાજુ ભારત અવકાશયાત્રીઓને ગગનયાત્રા કરવા તડામાર તૈયારીઓ કરી રહ્યું છે અને અમેરિકન જાયન્ટ કંપનીઓ સ્પેસ એક્સ અને બોઇંગ સ્પેસ મિશન્સ ઉપર ખુબ કામ કરી રહી છે .. બીજી બાજુ આપણે ત્યાં તહેવારો સમયે ઉજવણી ઉપર મર્યાદાઓ રાખવામા આવે છે (લાઉડ સ્પીકર, ફટાકડા કે ગણપતિ વિસર્જન વગેરે).. આ બેય બાબતો આમ એકબીજાથી સાવ અલગ દેખાય પણ ખરેખર બેય વચ્ચે એક સૂક્ષ્મ પણ કાર્બન ફાઇબરના તાર જેવું મજબૂત ક્નેક્શન છે. અવકાશ મિશન અને તહેવાર ઉપરના અમુક પ્રતિબંધ બેય કામ નો ઉદ્દેશ્ય એક જ સમસ્યાનો ઉકેલ કરવાનો છે. એ સમસ્યા છે : પૃથ્વી ઉપર ભવિષ્યમાં સર્જાનારી ટ્રેજેડી. ટ્રેજેડી માનવજાતના વિનાશની. સ્ટીવન હોકીંગ અને ન્યુટન જેવા વિજ્ઞાનીઓ અને બીજા અનેક વિચારકો કહી ગયા કે અનિયંત્રિત વિકાસ અને ઉપભોગને કારણે માનવજાત પાસે સરવાઈવ કરવા બહુ ઓછો સમય બચ્યો છે. આ સંભવ વિનાશથી બચવાના બે રસ્તા છે એક તો અવકાશમાં ટેકનિકલ જ્ઞાનની મદદથી પૃથ્વીનો વિકલ્પ શોધવો અને બીજો રસ્તો છે પ્રતિબંધો વગેરે લાદીને , વસ્તી ક્ધટ્રોલ કરીને હવે પૃથ્વીને હવે વધુ બગડતા રોકવી જેથી એનો વિનાશ અટકાવી શકાય.
- Advertisement -
માણસે સંદેશાવ્યવહાર , વાહનવ્યવહાર , સુરક્ષા , શ્રમ વગેરે જેવા અનેક પ્રોબ્લેમ્સને ટેક્નિકલ જ્ઞાનથી સોલ્વ કરી દીધા છે. આજે હજારો કિમિ દૂર રહેલા સ્વજનને આપણે મન પડે ત્યારે સંપર્ક કરી શકીએ છીએ. વિમાની અને અતિ ઝડપી ટ્રેન સુવિધાઓ આપણને લાંબા અંતર સુધી થોડા સમયમાં લઇ જાય છે. પહેલા જેવા છાશવારે થતા યુદ્ધો હવે સામાન્ય પ્રજાને ભોગવવા નથી પડતા.પોલિટિકલ સ્ટેબિલિટી ને કારણે યુરોપ અમેરિકા તો ઠીક , ભારતની પ્રજા પણ બચત કરવામાં નથી માનતી અને લાઈફને એન્જોય કરી લેવામાં માનવા લાગી છે. આ બધું થયું છે ટેક્નિકલ ક્રાંતિને કારણે. માણસે ઇતિહાસમાં ક્યારેય આટલી પોલિટિકલ સ્ટેબિલિટી નથી જોઈ. આટલા ઓછા પ્રમાણમાં યુદ્ધો નથી જોયા એવું ઇતિહાસ કહે છે. ટૂંકમાં કહીએ તો “આજની ઘડી તે રળિયામણી” છે , આટલો સુંદર સમય જગતમાં ક્યારેય નહોતો. રાજા મહારાજાઓને પણ મોબાઈલ , ફ્રિજ , ટીવી , કાર , પ્લેન જેવી સુવિધાઓ નહોતી જે આજે લગભગ દરેક પાસે છે. લોક કલાકાર માયાભાઇ આહીર એક રમૂજમાં કહે છે કે આવી મોજ તો ઇન્દ્ર દેવ પાસે પણ નહોતી જેવી આજે સામાન્ય માણસ પાસે છે. ટેક્નિકલ ક્રાંતિએ વર્તમાનને રૂડો-રૂપાળો-રળિયામણો કરી દીધો છે પણ આર્ષદ્રષ્ટા વિજ્ઞાનીઓ ફ્યુચર અર્થાત ભવિષ્ય માટે હમેશા શંકાશીલ રહ્યા છે. જાણીતા વિજ્ઞાની સ્ટીવન હોકીંગે (એ બોલી નહોતા શકતા છતાં) ગળું ખોંખારીને ભવિષ્યવાણી કરેલી કે માનવજાતનું પૃથ્વી ઉપર અસ્તિત્વ ઇસ 2300 સુધી જ છે, ત્યાં સુધીમાં માણસે વસવાટ માટે બીજો ગ્રહ શોધી લેવો પડશે. ઇસ 2003માં નેશનલ લાઈબ્રેરી ઓફ યેરૂસલેમમાં રહેલા અમુકે દસ્તાવેજ છાપે ચડયા હતા.
હાર્ડીને પણ ભવિષ્યવાણી કરી કે જો આ દરથી માણસો વસ્તી વધારશે તો નક્કી પૃથ્વી થોડા સમયમાં ખલાસ થઇ જશે
આ દસ્તાવેજ મામૂલી નહોતા પણ આઇઝેક ન્યુટનના જીવનના છેલ્લા સમયમાં એમણે લખેલા દસ્તાવેજ હતા.આ દસ્તાવેજને ન્યુટન પ્રગટ કરવા નહોતા માંગતા. ન્યુટન રોયલ સોસાયટી નામની એક બાહુબલી સંસ્થાના ઇસ 1707 થી 1727 સુધી પ્રમુખ રહયા હતા. આ સંસ્થા આજની તારીખે કાર્યરત છે અને જગતના દેશોમાં વિજ્ઞાનવાદ ફેલાવવા માટે જાણીતી છે. એના ફેલો/સભ્ય બનવું ખુબ ગૌરવની વાત ગણાય છે. ન્યુટને પોતાના અંતિમ દિવસોમાં લખેલા દસ્તાવેજમાં ભવિષ્યવાણી કરેલી કે જગતનો અંત ઇસ2060માં થશે. ન્યુટને આ ભવિષ્યવાણી પોતાની ધાર્મિક અને વૈજ્ઞાનિક એક બેય સમજણ ને આધારે કરેલી હતી.પરંતુ આ ભવિષ્યવાણીને ન્યુટન પ્રગટ કરવા માંગતા નહોતા કેમકે એમાં શુદ્ધ વિજ્ઞાનમાં ધાર્મિક થિયરીઝનો ભેગ કરવામાં આવ્યો હતો. પોતે રોયલ સોસાયટી જેવા વૈજ્ઞાનિક સંગઠનના પ્રમુખ હોવાને નાતે આ પ્રકારની એમની અમુક શુદ્ધ વૈજ્ઞાનિક ના કહી શકાય એવી થિયરીઝને પ્રસ્તુત કરીને ન્યુટન કોઈ વિવાદમાં ફસાવા માંગતા નહોતા. પરંતુ હોકીંગ અને એના પહેલા થઇ ગયેલા ધુરંધર ન્યુટન જ્યારે કહે કે જગતનો નાશ ઇસ. 2300 આસપાસ નિશ્ચિત છે ત્યારે થોડો વિચાર કરવો ઘટે.ન્યુટને પોતાની ભવિષ્યવાણીમાં એવો કોઈ ફોડ પાડ્યો નથી કે વિશ્વનો નાશ થવાનું કારણ શું હશે. હોકીંગની વિશ્વ વિનાશની ભવિષ્યવાણીમાં એમણે વિશ્વના વિનાશ માટે અનીયંત્રીત રીતે વધતી જતી વસ્તી ને કારણભૂત ગણાવી હતી.હોકિંગ એ મતનાં હતા કે માણસે સો વર્ષ સુધીમાં બીજા ગ્રહને ડેવલપ કરી દેવો પડશે કેમકે પૃથ્વી તો રહેવા લાયક રહેવાની નથી. અમેરિકામાં ગેરેટ હાર્ડિન નામના એક વિદ્વાન થયા એમણે કહ્યું કે પૃથ્વી નો આ કરુણ રકાસ રોકવા માટે અવકાશ મિશન ની કોઈ જરૂર નથી, કોઈ ટેકનોલોજીની જરૂર નથી. એમણે પ્રસિદ્ધ કર્યું કે જો આવી રીતે આપણે પૃથ્વીનું દોહન કરતા રહીશું તો આપણો અંત બહુ નજીક છે. હારડીન કહી ગયા કે પૃથ્વીને બચાવી શકાય છે , પણ એ માટે અવકાશ તરફ ભગવાને બદલે માણસે પૃથ્વી ઉપરની સમસ્યાઓને ધ્યાને લઈને પોલીસી બનાવવી જોઈએ જેથી માનવજાત નો વિનાશ અટકાવી શકાય. દરેક પ્રોબ્લેમનું ટેક્નિકલ સોલ્યુશન શોધવાની માણસની કુટેવનો વિરોધ કર્યો હતો.
- Advertisement -
1968માં ગેરેટ હાર્ડીને એક બહુપ્રસિદ્ધ પેપર પ્રકાશિત કરેલું જેનું મથાળું હતું : ટ્રેજેડી ઓફ કોમન્સ. ટ્રેજેડી ઓફ કોમન્સ એક અતિપ્રસિદ્ધ રિસર્ચ પેપર ગણાય છે. આ પેપરમાં હાર્ડીને પણ ભવિષ્યવાણી કરી કે જો આ દરથી માણસો વસ્તી વધારશે તો નક્કી પૃથ્વી થોડા સમયમાં ખલાસ થઇ જશે. આ પેપર પ્રકાશિત થયું ત્યારે વિશ્વનો વસ્તીવધારાનો દર ઇતિહાસનો સહુથી ઉચ્ચ દર હતો ઇસ.1946 થી 1964 સુધી વિશ્વનો વસ્તી વધવાનો દર અત્યન્ત ઊંચો હતો.એ દરમિયાન જન્મેલા લોકોને બેબી બુમર્સ કહેવાય છે કેમકે એ સમયગાળો એના અતિ ઊંચા વસ્તી વધારાના રેટ ને લીધે બેબી બૂમ નો ટાઈમ કહેવાય છે. સાથે જોડેલા ચિત્રમાં જોઈ શકાય છે કે વિશ્વની વસ્તી ઔધ્યીગિક ક્રાંતિ પછી કઈ ઝડપે વધી છે (અને કઈ રીતે એ વધવાનો દર કંટ્રોલ કરવા માટેના સરકારોના પ્રયાસો રંગ લાવ્યા છે એ પણ જુઓ લાલ લીટી વસ્તી વધવાનો દર છે જે હવે ઘટ્યો છે , કેમ ઘટ્યો છે તે હવે જાણીએ) પોતાના આ પ્રસિદ્ધ પેપરમાં ગેરેટ હાર્ડિન અવકાશ મિશનોનો વિરોધ કરે છે અને કહે છે કે માણસને દરેક સમસ્યાનો ઉકેલ ટેકિનકલ રીતે લાવાની કુટેવ પડી ગઈ છે પણ માણસ સમજતો નથી કે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન ટેક્નિકલ નથી હોતું. હાર્ડિન લખે છે કે આજે જગત સામે જે કાંઈ સમસ્યાઓ છે તે પૈકી મોટાભગની સમસ્યાઓ હવે ઓવર પોપ્યુલેશનને કારણે છે. આથી આ સમસ્યાના ઉકેલ માટે અવકાશ કોઈ ઉપાય નથી , માણસે પૃથ્વીના નાશથી બચવા માટે અવકાશ તરફ ભાગવાની જરૂર નથી. માણસે હવે કડક નિયમો લાગુ કરવાની જરૂર છે. હાર્ડિનની આ થિયરીના વિરોધીઓ પણ અનેક હતા છતાં હાર્ડિનની “એન્ટી પોપ્યુલેશન થિયરી” એ ઘણો ચકચાર જગાવ્યો. હાર્ડીને એના પેપરમાં જે કાંઈ સૂચનો કર્યા તેના ઉપર ઘણો અમલ પણ થયો છે. માણસ જાતનું અસ્તિત્વ જો ટકાવવું હશે તો ન્યુટન અને હોકિંગની ભવિષ્યવાણીઓને ખોટી પાડવી રહી અને એ માટે હાર્ડિનની સલાહોને માનવી રહી. .હા એટલું યાદ રાખવું કે લાઉડ સ્પીકર ઉપર કે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાગે છે એ પ્રતિબંધ પાછળ હાર્ડિન સાહેબના પેપરનો ઘણો મોટો ફાળો છે.
અમેરિકામાં ગેરેટ હાર્ડિન નામના એક વિદ્વાન થયા એમણે કહ્યું કે પૃથ્વી નો આ કરુણ રકાસ રોકવા માટે અવકાશ મિશન ની કોઈ જરૂર નથી, કોઈ ટેકનોલોજીની જરૂર નથી