કુલ 8 હજાર છોકરીઓને પાલક માતા-પિતા યોજના હેઠળ આપવામાં આવશે સહાય
મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ 9,120 છોકરીઓને સહાય આપવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
2020માં ગુજરાત સહિત દેશભરમાં જોવા મળેલી કોરોના મહામારીની બે તીવ્ર લહેરને કોઈ કયારેય નહીં ભૂલી શકે. આ એ જ કાળમુખો સમય હતો જેણે સેંકડો લોકોનો ભોગ લીધો હતો અને કેટલાય બાળકોએ સાવ નાની ઉંમરમાં માતા-પિતાની છત્રછાયાનો ગુમાવવાનો વારો આવ્યો હતો.
આવા અનાથ બાળકોને સરકારે દત્તક લીધા હતા અને હવે કોવિડ-19માં એક અથવા બંને પેરેન્ટ્સ ગુમાવનારી 17,120 છોકરીઓ માટે સ્કિમ બહાર પાડી છે, જે મુજબ તેમના લગ્ન સમયે તેમને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. સરકારી આંકડા અનુસાર પાલક માતા-પિતા યોજના હેઠળ 8 હજાર છોકરીઓને સહાય જ્યારે અન્ય 9,120 છોકરીઓને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ સહાય આપવામાં આવશે. ગત અઠવાડિયે પોતાના બજેટ ભાષણમાં, રાજ્યના નાણામંત્રીએ એક નવી યોજનાની જાહેરાત કરી હતી, જેમાં પાલક માતા-પિતા સહાય યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ છોકરીઓને લગ્ન સમયે 2 લાખની સહાય માટે 2023-24માં 20 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, બંને યોજના અંતર્ગત સહાય પૂરી પાડવામાં આવતી લગભગ 1 હજાર છોકરીઓ દર વર્ષે લગ્ન યોગ્ય ઉંમરે પહોંચશે. આમ આ હેતુ માટે 20 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને આ દર વર્ષે યથાવત રહેશે, તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે ઉમેર્યું હતું કે, સહાય ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર થકી આપવામાં આવશે. પાલક માતા-પિતા યોજના હેઠળ કુલ 8 હજાર છોકરીઓને સહાય આપવામાં આવી રહી છે. તેમાંથી 6,158ની ઉંમર 15 વર્ષની આસપાસ જ્યારે 1,842ની 16થી 18 વર્ષની વચ્ચે છે. આ રીતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ કુલ 9,120 છોકરીઓને સહાય મળી રહી રહે છે. તેમાંથી 6,958ની ઉંમર 15 વર્ષની આસપાસ જ્યારે 2,162 છોકરીઓની ઉંમર 16થી 18 વર્ષ વચ્ચેની છે.