સરકાર વિધાનસભા સત્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કાયદો બનાવવા બિલ પસાર કરશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાત હાઇકોર્ટમાં અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને અન્ય એક અરજદારે જાહેર હિતની અરજી દાખલ કરી છે. જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદી સમક્ષ સુનાવણી યોજાઈ હતી. ત્યારે આ મામલે ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરીએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. જેમાં આવનારા વિધાનસભા સત્રમાં ગુજરાત રાજ્યમાંથી કાળો જાદુ, અઘોરી પ્રવૃત્તિ અને અમાનવીય પ્રવૃત્તિઓ જેવા દૂષણો દૂર કરવા ખરડો લાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અરજદાર બનાસકાંઠા વિસ્તારમાં અંધશ્રદ્ધા નિર્મૂલનનું કાર્ય કરે છે. તેમજ રજિસ્ટર ટ્રસ્ટ ધરાવે છે. અરજદારનું કહેવું હતું કે, ગુજરાતમાં અંધશ્રદ્ધાના નિર્મૂલન માટે કાયદો બનાવવા કોર્ટ સરકારને નિર્દેશ આપે. આ વિષય બંધારણની સહવર્તી યાદીમાં આવેલો છે. જેથી રાજ્ય તેની ઉપર કાયદો બનાવી શકે છે. આ માટે અરજદારે કોર્ટ સમક્ષ ગુજરાતમાં બનેલા 30 બનાવો પણ મૂક્યા હતા.
અરજદારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામમાં આ સંબંધિત કાયદા છે. મહારાષ્ટ્રમાં પ્રિવેન્શન એન્ડ એડ્રિકેશન ઓફ હ્યુમન સેક્રિફાઈસ એન્ડ અધર ઈનહ્યુમન એવિલ એન્ડ અઘોરી બ્લેક મેજીક એક્ટ 2013 બનેલો છે.
અરજદારોએ અનેક વખત ગુજરાત સરકાર સમક્ષ આવો કાયદો બનાવવા રજૂઆત કરી છે. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સ્થાપક નરેન્દ્ર દાભોલકરની હત્યા થઈ હતી. જેના ચાર દિવસ બાદ મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધાના કાયદાને લઈને વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં પછાત અને આદિજાતિ લોકો અંધશ્રદ્ધા વધુ પ્રચલિત છે. જેનો ભોગ બન્યા હોય તે લોકો ફરિયાદ માટે ઓથોરિટી સમક્ષ જઈ શકતા નથી.
ઉપરોક્ત આદેશના સંદર્ભે ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરીએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. જે મુજબ હાઈકોર્ટના આદેશને પગલે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલિસ, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ ઈઈંઉ અને ગૃહ વિભાગના સેક્રેટરીએ મિટિંગ યોજીને આ મુદ્દે ગહન ચર્ચા કરી હતી. જેમાં નક્કી કરાયું છે કે આવનારા વિધાનસભા સત્રમાં ગુજરાત રાજયમાંથી કાળો જાદુ, અઘોરી પ્રવૃત્તિ અને અમાનવીય પ્રવૃત્તિઓ જેવા દૂષણો દૂર કરવા ખરડો લાવવામાં આવશે.