ખાસ-ખબર સંવાદદાતા
મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબી ટીમે બાતમીના આધારે વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલ પંપમાં થયેલ લુંટ-ધાડના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગાંધીનગરથી ઝડપી લીધો હતો અને વધુ તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસના હવાલે કર્યો હતો.
મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાકાંનેર તાલુકા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલપંપમાં થયેલ ધાડ-લુંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી બાકુ ઉર્ફે મગન ઝાપડા ડાંગી (રહે. વાગવા તા.રાણાપુર જી.જાંબુઆ એમ.પી) વાળો ગાંધીનગર ખાતે છે જે ચોકકસ બાતમીને આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ગાંધીનગર ખાતે તપાસ અર્થે ગઈ હતી જ્યાંથી આરોપી બાકુ ઉર્ફે મગન ઝાપડા ડાંગીને ગાંધીનગરના પાલજ ગામની પાસે આવેલ નાયપર ફાર્મા નવી બનતી કંપની ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાકાંનેર તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.