વ્યકિતના માનસ અને ચિંતનશકિત પર ભાષાનું બહુમૂલ્ય યોગદાન હોય છે.
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર દેશમાં 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ઈ.સ 1953ના રોજ 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસની દર વર્ષે ઉજવણી કરવાની ઘોષણા કરી હતી.
- Advertisement -
આઝાદી પહેલાંના હિંદુસ્તાનમાં અનેક ભાષાઓ બોલાતી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં અંગ્રેજી ભાષાને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. હિન્દી ભાષાના ઉદયથી અર્થતંત્ર પરની પકડ ગુમાવવાના ભયથી અંગ્રેજ સરકારે દેશમાં અંગ્રેજીમાં શિક્ષણ આપવાનું શરૂ કરી ભારતની સંસ્કૃતિને ભારતવાસીઓથી દૂર રાખવાની કોશિષ કરી. જે અંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને જાણ થતાં તેમણે અનેક ભાષાઓ ધરાવતા ભારત રાષ્ટ્રમાં રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાને સ્થાપિત કરવાની સૌ પ્રથમ પહેલ કરી અને ઈ.સ 1917માં ભરૂચ ખાતે યોજાયેલ સંમેલનમાં હિન્દી ભાષાના મહત્વને સમજાવી રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવાની વાત કરી હતી. જેનો અમલ ઈ.સ 1947માં બંધારણના અનુચ્છેદ 343માં કરવામાં આવ્યો હતો.
આઝાદીની ચળવળમાં ક્રાંતિવીરોએ ‘તુમ મુજે ખુન દો, મૈ તુમે આઝાદી દુગા’, ‘આધી રોટી ખાયેગેં, દેશકો બચાયેગેં’ જેવા અનેક નારા હિન્દી ભાષામાં જ આપ્યા હતા. વર્તમાન સમયમાં પણ હિન્દી પુરા વિશ્ર્વમાં સૌથી વધુ બોલાતી ચોથી નંબરની ભાષા છે. હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા રાષ્ટ્રભાષા કીર્તિ પુરસ્કાર અને રાષ્ટ્રભાષા ગૌરવ પુરસ્કાર દર વર્ષે એનાયત કરવામાં આવે છે.
ભાષાની મનુષ્યના ચિંતન પર પડતી અસર અંગે છણાવટ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનાં અધ્યાપક ડો. યોગેશ જોગસણ જણાવે છે કે, ચિંતન માટે ભાષા અનિવાર્ય છે. આ બાબતનો આવિર્ભાવ કરવા માટે બર્નરે બાલમંદિરમાં અભ્યાસ કરતા અને 6 થી 7 વર્ષથી ઓછી આયુ ધરાવતા બાળકો અને બર્નસ્ટીનએ ઈ.સ 1958માં ગરીબ અને ધનીક બાળકોનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો જેમાં સ્પષ્ટ સાબિત થયુ કે ભાષાની ઓછી જાણકારી ધરાવનારની ચિંતનશક્તિ ભાષાના જાણકારની સરખામણીએ ઓછી હોય છે.
- Advertisement -
હિન્દી ભાષાને મહાત્મા ગાંધીજીએ લોકોના માનસની ભાષા કહી હતી. તમામ વિષયો પ્રત્યે સમાજને જાગૃત કરી લોકોની માનસિકતા પલટાવવાનું સૌથી મહત્વનું કાર્ય હિન્દી ભાષાએ જ કર્યું છે. બોલીવુડના કલાકારને જનમાનસમાં હિન્દી ભાષાએ જ સ્થાપિત કર્યા છે. ખુમારી, રોજગારી, સ્વાભિમાન, કલાને માન આપવાની સાથોસાથ સંસ્કૃતિનું સિંચન કરતી તુલસીદાસની ‘રામચરિત માનસ’, પ્રેમાનંદની ગોદામ સહિતની સમાજ જીવનનું ઘડતર કૃતિઓ પણ હિન્દીમાં જોવા મળે છે, જે દર્શાવે છે કે હિન્દી એ આપણી પોતીકી ભાષા છે. તેને બધા નાગરિકોએ અપનાવવી જ જોઇએ.