સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળ પ્રણાલી થકી ભારતીય ઋષિ સંસ્કૃતિને જાળવી રહ્યા છે: ઈખ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ (રાણપુર) ગામે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમજ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ નવયુગલોને મુખ્યમંત્રી ભાવિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ – કરમડ દ્વારા હાલમાં ત્રિદિવસીય પંચાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કરમડ ગામ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહોત્સવમાં સભામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહ્યું હતું કે, પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગુરુકુળમાં શિક્ષણ મેળવ્યું હોવાનું ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુરુકુળની એ જ પરંપરા નાલંદા, વલભી તથા તક્ષશિલા જેવી વિદ્યાપીઠો – ગુરુકુળ થકી જળવાઈ રહી છે.