સાબરકાંઠાના તખતગઢ ગામમાં લોકોને 1 રૂપિયામાં મળે છે 1000 લીટર પાણી
શહેરોમાં પણ ચોવીસ કલાક પાણી વિતરણ કરવાના સરકાર દ્વારા પ્રયાસો થયા છે પરંતુ, તેમાં જોઈએ તેવી સફળતા મળી નથી. ત્યારે સાબરકાંઠાના પ્રાંતીજ તાલુકાનું તખતગઢ ગામ છે કે જેને ગામલોકોને ચોવીસ કલાક આપી મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. તખતગઢ ગામ એવું છે કે, જ્યાં ઘરમાં લોકો જ્યારે નળ ખોલે ત્યારે પાણી મળી રહે છે. પાણીનો બગાડ અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘેર મીટર લગાવી દેવાયા છે. જેનાથી પાણીનો વપરાશ અને બગાડ ઘટ્યો છે.
તખતગઢ ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે પાણી આપવા માટે મીટરપ્રથાનો અમલ કર્યો છે. લોકો પાસેથી 1000 લીટર પાણીનો માત્ર એક રૂપિયો જ વસૂલવામાં આવે છે. જો કે, મીટરના કારણે પાણીનો જે વેડફાટ થતો હતો તે બંધ થઈ ગયો છે. પૈસા ન ખર્ચવા પડે તે માટે લોકો જરુર પૂરતો જ પાણીનો વપરાશ કરે છે. બિનજરુરી વપરાશ બંધ થઈ જતાં શેરી ગલીઓમાં થતી ગંદકીની સમસ્યાનો પણ હલ થઈ ગયો છે. પહેલા ગ્રામ પંચાયતની મોટર વધુ ચલાવવાના કારણએ વીજ વપરાશ વધુ થતો હતો. જે પણ હાલ અડધો થઈ ચૂક્યો છે. મીટરના કારણે લોકો જરુરિયાત મુજબના પાણીનો જ ઉપયોગ કરે છે. જેથી ગ્રામ પંચાયત દ્વારા ઘરે નળ વાટે 24 કલાક પાણી આપવામાં આવતું હોવા છતાં પાણીનો બગાડ થતો નથી.
- Advertisement -
મહત્વનું છે કે, ગામલોકો 24 કલાક પાણી મેળવતા હોય તેવું તખતગઢ ગામ ગુજરાતનું પહેલું ગામ છે. તખતગઢ ગામની પાણી સમિતિના સભ્ય રસીલાબેન પટેલે કહ્યું હતું કે, ગામમાં પાણીની તંગી નિવારવા સમગ્ર ગ્રામજનોએ એકઠા થઈને નિર્ણય કર્યો હતો. એમાં રાજ્ય સરકારની ’વાસ્મો’ ની મદદથી એક લાખ લીટર પાણીનો ટાંકો ગામમાં નવીન બનાવાયો. તો મીટર પાણીની લાઈનો સહિતનો ખર્ચમાં પણ સરકારે મદદ કરી અને એના પ્રતાપે આજે ઘરે ઘરે પાણીની સુવિધા મળી રહી છે.