ગાંધીજીની પુણ્યતિથિએ આ સ્થળ પર નવું બાલમંદિર બનાવવા લોકમાગણી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
વઢવાણ શહેરમાં આઝાદી પહેલા મોન્ટેસરી પધ્ધતિથી બાળમંદિરની પ્રવૃત્તિ ધમધમતી હતી. આ બાળમંદિરનું લોકાપર્ણ મહાત્મા ગાંધીના હસ્તે કરાયું હતું. જ્યાં વઢવાણ શહેરના બાળકો બાલમંદિર ભણવા જતા હતા. પરંતુ આ બાલમંદિર હાલ ખંડેર હાલતમાં બની ગયું છે. આથી ગાંધીજીની પુણ્યતિથિએ આ સ્થળ પર નવું બાલમંદિર બનાવવા લોકમાગ ઊઠી છે. વઢવાણ શહેરમાં બાલમંદિરની પ્રવૃત્તિ સ્વાતંત્ર્ય સેનાની ફૂલચંદભાઈ તથા ચીમનભાઈ વૈષ્ણવે ધોળીપોળ-દેપાળાવાડ સામે એક મકાનથી શરૂ કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય શાળાના ઉપક્રમે તા.21-2-1925માં મોન્ટેસરી પધ્ધતિના બાળમંદિરનું ઉદ્ધાટન મહાત્મા ગાંધીના હસ્તે થયું હતું. વઢવાણના પ્રજાપ્રેમી રાજવી જોરાવરસિંહજીએ યુવરાજ સુરેન્દ્રનસિંહજીના જન્મદિનની ખુશાલીમાં આ બાલમંદિર સ્ટેટ હસ્તક લીધું હતું. આ બાળમંદિર માજેશ્વર બાગ હાલની વિકાસ વિદ્યાલય સંસ્થામાં શરૂ થયું હતું. પરંતુ હાલ જાળવણીના અભાવે ખંડેર હાલતમાં બની હોવાથી નવું બાલમંદિર બનાવવા લોકમાગ ઊઠી છે. આ બાલ મંદિરમાં લેરાભાઈ ભોગીભાઈ 5રીખ, પશુભાઈ ભાથી, વજુભાઈ દેપાળા, વજુભાઈ દવે, કું. શાંતાબેન ચૂડગર જેવા બાળ કેળવણીકારો શહેરની શેરીઓમાં ઘેર ઘેર જઈ બાળકોને પ્રેમપૂર્વક તેડી બાલમંદિરમાં લઇ જતાં હતા. 1939થી બાળ કેળવણીકારે ગીજુભાઈ બધેકાના માર્ગદર્શનના દક્ષિણામૂર્તિ જેવુ જ જોરાવરસિંહજી બાલમંદિરમાં બાળકોને શિક્ષણ આપવામાં આવતું હતું.