પહેલું નોરતું એટલે ધન, ધાન્ય અને સૌભાગ્ય પ્રદાન
કરનારી માતા શૈલપુત્રીની આરાધનાનો દિવસ
માં શૈલપુત્રી હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલા છે
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલા છે. તેમના જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે. (ક્યાંક વૃષભ પણ કહ્યું છે) નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે નવદુર્ગાના શૈલપુત્રી રૂપની પૂજા-આરાધના કરવામાં આવે છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલે મા દુર્ગાનું પ્રથમ રૂપ શૈલપુત્રી જે પાર્વતી તેમજ હેમવતી સ્વરૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી ગાય અથવા વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે.
મા દુર્ગા પોતાના પહેલાં સ્વરૂપ ’શૈલપુત્રી’ના નામે પૂજાય છે. પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું છે. પોતાના પૂર્વ જન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષની ક્ધયાના રૂપમાં ઉત્પન્ન થયાં હતાં ત્યારે તેમનું નામ સતી હતું. તેમના વિવાહ ભગવાન શંકર સાથે થયા હતા. એકવાર પ્રજાપતિ દક્ષે બહુ મોટો યજ્ઞ કર્યો જેમાં તેમણે બધા દેવતાઓને પોતપોતાના યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યા પરંતુ શિવજીને તેમણે આ આમંત્રણ નહોતું આપ્યું.
દેવી સતીએ જ્યારે સાંભળ્યું કે અમારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે, ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વિકળ થઈ ઉઠ્યું. પોતાની આ ઈચ્છા તેમણે ભગવાન શિવને જણાવી. ભગવાન શિવે કહ્યું, પ્રજાપતિ દક્ષ કોઈ કારણસર મારાથી રુઠ્યા છે, તેમણે બધા દેવતાઓને નિમંત્રણ મોકલ્યું, પરંતુ જાણીજોઈને મને નથી બોલાવ્યા. એવી સ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈપણ રીતે યોગ્ય નહી હોય. શિવજીના આ ઉપદેશથી દેવી સતીનું મન બહુ દુખી થયું. પિતાનો યજ્ઞ જોવા ત્યાં જઈ માતા અને બહેનોને મળવાની તેમની વ્યગ્રતા કોઈપણ પ્રકારે ઘટી નહોતી શકી. તેમનો પ્રબળ આગ્રહ જોઈ શિવજીએ તેમને ત્યાં જવાની અનુમતિ આપી દીધી.
- Advertisement -
સતીએ પિતાના ઘરે જોઈને જોયું કે કોઈપણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું. માત્ર તેમની માતાએ જ તેમને સ્નેહથી ગળે મિલાવ્યા. પરિજનોના આ વ્યવહારથી દેવી સતીને બહુ દુખ થયું. તેમણે એમ પણ જોયું કે ત્યાં ભગવાન શિવ પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો છે, દક્ષે તેમના પ્રત્યે અપમાનજનક વચન પણ કહ્યાં. આ બધું જોઈ સતીનું હ્રદય દુ:ખી અને બહુ ક્રોધિત થઈ ઉઠ્યું. તેમણે વિચાર્યું કે ભગવાન શંકરજીની વાત ના માની અહીં આવીને તેમણે બહુ મોટી ભૂલ કરી છે. તેઓ પોતાના પતિ ભગવાન શિવના આ અપમાનને સહન ના કરી શકી, તેમણે ત્યાં જ પોતાના આ રૂપને યોગાગ્નિ દ્વારા સળગાવી ભસ્મ કરી દીધું.
વજ્રપાત સમાન આ દારુણં-દુખદ ઘટનાને સાંભળી શંકરજીએ ક્રોધિત થઈ પોતાના ગણોને મોકલી દક્ષના એ યજ્ઞને પૂર્ણત: વિધ્વંસ કરાવી દીધો. સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કરી આગલા જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રીના રૂપમાં જન્મ લીધો. આ વખતે તેઓ શૈલપુત્રીના નામે વિખ્યાત થયાં. તેમને પાર્વતી, હેમવતીના નામે પણ ઓળખવામાં આવે છે. આ જન્મમાં પણ શૈલપુત્રી દેવીના વિવાહ ભગવાન શંકરજી સાથે જ થયા. શૈલપુત્રીમાં શૈલનો અર્થ થાય છે પર્વત. હિમાલય પર્વત છે. આથી શૈલપુત્રી અર્થાત ‘હિમાલયની પુત્રી’. હિમાલયની પુત્રી એટલે માતા પાર્વતી, માતા ભવાની! આમ શૈલપુત્રી એ પાર્વતીનું જ નામ છે. શિવના અર્ધાંગિની તરીકે માતાજીનું મહત્ત્વ તો છે જ, પણ એમનું અલાયદું મહત્ત્વ પણ ઓછું નથી. માર્કંડેયપુરાણમાં કહેવાયું છે કે, શૈલપુત્રી એટલે દેવીના નવદુર્ગા સ્વરૂપમાંનું પ્રથમ સ્વરૂપ.