રાજયમાં 25 હજાર હેકટર પૈકી 15 હજાર હેકટર નાળિયેરીનું વાવેતર સોરઠમાં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસનું ઉદ્ધાટન તા.2 ના સવારે 10 કલાકે કોચી ખાતેથી વેબલીંક દ્વારા કરશે. આ તકે કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 11 કલાકે એગ્રીકલ્ચર યુનિવર્સીટી ખાતે વિશ્ર્વ કોકોનેટ ડે ઉપર કાર્યક્રમ યોજાશે.
- Advertisement -
કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ દ્વારા દરિયાઇ વિસ્તારમાં વધુને વધુ નાળિયેરનું ઉત્પાદન થાય, નાળિયરના પાકનું વાવેતર થાય અને નાળિયરેના પાક માટેની વિવિધ સરકારી યોજનાનો લાભ ખેડૂતો મળે તે માટે કામ થઇ રહ્યું છે. દેશમાં ગુજરાતમાં સૌથી વધુ મોટો દરિયા કિનારો હોઇ ભારત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ જૂનાગઢ ખાતે કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે.
જેનાથી ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો નાળિયેરીના વિસ્તારોમાં નાળિયેરીનો પાક વધશે.
તેમજ ખેડૂતોને તેનો ફાયદો મળશે. બોર્ડ દ્વારા નાળિયેરીના રોપા તૈયાર કરવા નર્સરી બનાવવી, વાવેતર કરનાર ખેડૂતોને સહાય આપવા સહિતની યોજનાનો લાભ આ અહીના ખેડૂતોને મળશે.
બોર્ડ દ્વારા વધુને વધુ ખેડૂતો સુધી પહોંચી શકાશે.તેમ કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ, મહારાષ્ટ્રના ડેપ્યુટી ડાયરેકટર ડો.દેવનાથે જણાવ્યું હતું. તેમજ ઇન્ચાર્જ કલેકટર મિરાંત પરીખે જણાવ્યુ હતું કે જૂનાગઢ માટે એ ગૌરવની વાત છે કે, સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસ જૂનાગઢમાં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે. જેનાથી આપણા માંગરોળ, ચોરવાડ, માળિયા, ગિર સોમનાથ, પોરબંદર સહિતના દરિયાઇ વિસ્તારના નાળિયરેના પાકનું ઉત્પાદન વધશે. કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની લાભકારક સ્કીમનો સરળતાથી લાભ ખેડૂતો મેળવી શકશે. મદદનીશ બાગાયત નિયામક વિશાલ હદવાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર 25 હજાર હેકટર છે જે પૈકી 15 હજાર હેકટર વાવેતર વિસ્તાર તો માત્ર જૂનાગઢ – ગિર સોમનાથમાં જ છે. સૌથી વધુ ગુજરાતમાં નાળિયેરનું પ્રોડકશન ગિર સોમનાથમાં જ થાય છે. જૂનાગઢ જિલ્લામાં ફળોમાં પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક સૌથી વધુ થાય છે. જિલ્લામાં નાળિયેરનો 6300 હેકટર વાવેતર વિસ્તાર છે. માંગરોળમાં નાળિયેરી પાક માટેના રોપાઓ રોપ ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવે છે.
- Advertisement -
2016થી ખેડૂત હિત રક્ષક સમિતિની રજુઆત હતી
જૂનાગઢમાં કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફીસ શરૂ કરવામાં આવી રહી છે.ત્યારે સોઠરનાં ખેડૂતો માટે ખેડૂત હિત રક્ષક સમિતિનાં અતુલ શેખડા અને હમીરભાઇ રામ સહિતનાઓએ સતત રજુઆતો કરી હતી. 2016થી સતત રજુઆતો કરી હતી.હવે કેન્દ્ર સરકાર જૂનાગઢમાં કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની રજુઆત કરવા જઇ રહ્યું છે.