1.5 હેકટર વિસ્તારમાં ચિંકારા પ્રોજેક્ટ આકાર પામશે
વિસ્તારમાં ખુલ્લા પાંજરામાં 20 ચિંકારા મૂકવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
કચ્છના બન્ની વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. જેમાં 1.5 હેકટર વિસ્તારમાં ચિંકારા પ્રોજેક્ટ આકાર પામશે. આથી બન્નીના ગ્રાસલેન્ડને નવી ઓળખ મળશે.
કચ્છનું બન્નીનું ધાસિયા મેદાનને નવી ઓળખ મળવા જઈ રહી છે. બન્નીમાં ચિત્તા બાદ ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. જેમાં રાજય સરકારે ચિંકારાના બ્રિડિંગ પ્રોજેક્ટને મંજુરી આપી છે. આ વિસ્તારમાં ખુલ્લા પાંજરામાં 20 ચિંકારા મૂકવામાં આવશે. ત્યારબાદ તેના પ્રજનન અને સંવર્ધન માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ ગુજરાતનું પ્રથમ ચિંકારા સંવર્ધન કેન્દ્ર હશે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 50 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હાલ તેના માટેની કામગીરી આરંભી દેવામાં આવી છે.
આ ચિંકારા બ્રિડિંગ કેન્દ્ર થકી ચિંકારા વસ્તીમાં વધારો થશે સાથે પ્રવાસીને બન્નીના ગ્રાસલેન્ડમાં ચિંકારા પણ જોવા મળશે.
બન્નીના લોકોનું જીવન અનેક મુશ્કેલીઓથી ભરેલું છે. રણકાધીએ આવેલો જંગલ વિસ્તાર હોવાથી અહીં સતત વેગીલા પવન ફૂંકાતા રહે છે. સ્થાનિક પાણીનો કોઇ સ્ત્રોત ન હોવાથી તંત્ર દ્વારા 60થી વધુ કિ.મી. લાંબી પાઇપલાઇન બિછાવીને બન્નીને પાણી આપવામાં આવે છે. પણ, તેમાં વારંવાર ભંગાણ થવાથી દિવસો સુધી પાણી મળતું નથી. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. અહીં માણસો કરતાં પશુની સંખ્યા વધારે છે.