સિઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા ખોલાયા: 27 ગામને એલર્ટ, ઓવરફ્લોથી માત્ર 2.74 મીટર દૂર, 24 કલાકમાં 40 સેમીનો વધારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ લીધું છે. નર્મદા ડેમની સપાટી 135.94 મીટર સુધી પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. આ કારણે સિઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમ ઓવરફ્લોથી 2.74 મીટર દૂર છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 40 સેમીનો વધારો થયો છે. જેના પગલે 27 ગામને એલર્ટ કરાયા છે. આરબીપીએચ અને કેનાલ મારફતે 4.46 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓમકારેશ્ર્વર ડેમમાંથી પણ મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીની આવક હાલ 4,99,918 લાખ ક્યુસેક છે. તેની સામે 4,46,592 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. નદીમાં સતત જળસ્તર વધવાની શક્યતા હોવાથી અંકલેશ્ર્વરના મામલતદાર કિરણસિંહ રાજપૂત અને અન્ય અધિકારીઓની ટીમે સંભવિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. સ્થાનિક વહીવટી તંત્ર કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે.
ક્યા-ક્યા ગામ અસરગ્રસ્ત?
વડોદરા જિલ્લાના ગામો: ચાંદોદ, કરનાલી, અનસોયા, શિનોર, દરિયપુરા, માલસર, નારેશ્ર્વર.
ભરૂચ જિલ્લાના ગામો: વેલુગામ, અસા, પાણેથા, ભાલોદ, ઝઘડિયા, ભરૂચ શહેર, અંકલેશ્ર્વર, સરકુદ્દીન, ખાલપીયા, જુના છાપરા, જુના કાશીયા, બોરભાઠા બેટ, સક્કરપોર, જુના પુનગામ, બોરભાઠા, અને નવા તરીયા.
નર્મદા જિલ્લાના ગામો: ઓરી, સિસોદ્રા, વરાછા, પોઇચા, ભદામ, રૂંઢ, ધમણાચા, ધાનપોર, ગુવાર, માગરોલ, રામપુરા, રેગણ, વાસણ, વાડિયા, વિરપુર, તિલકવાડા, ગણર્શીડા, ચુડેશ્ર્વર, વરવાડા, સેંગપુરા, ગંભીરપુરા, સુરજવડ, વાંસલા, ઈન્દ્રવર્ણ, અકતેશ્ર્વર, ગરુડેશ્ર્વર, સંજરોલી, ગભાણા, નાના પીપરિયા, વગડિયા, નવાગામ, લીમડી, સુરપાણ, મોખડી, ગોરા, થવડીયા.
આ ગામોના રહેવાસીઓને નદીકિનારે ન જવાની અને પૂર સંબંધી કોઈપણ સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે પણ જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.