ખાસ-ખબર સંવાદદાતા
રક્ષાબંધનનો પવિત્ર પર્વ રાજકોટ એસ.ટી. ડિવિઝનને ફળ્યો હોય તેમ એક જ દિવસમાં 13 લાખની વધુ કમાણી થઈ હતી. તમામ એસ.ટી. બસોમાં ચિક્કાર ભીડ જોવા મળી હતી. રાજકોટથી જામનગર, જૂનાગઢ, અમદાવાદ, મોરબી જવા માટે એક્સ્ટ્રા બસો દોડવવામાં આવી હતી. દરરોજ સામાન્ય રીતે એસ.ટી. ડિવિઝનને રૂા. 44 થી રૂા. 45 લાખની આવક થતી હોય છે. તેની સામે રૂ. 58 લાખનો આંક વટાવી ગઈ હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રક્ષાબંધનના પવિત્ર પર્વે એસ.ટી. બસોમાં ચિક્કાર ભીડ જોવા મળી હતી. અનેક ભાઈઓ બહાર ગામ રહેતી બહેનોના ઘરે રાખડી બંધાવવા માટે જતા એસ.ટી. બસોમાં આજે ટ્રાફિક જોવા મળ્યો હતો. રાજકોટ, જામનગર, ગોંડલ, મોરબી, જૂનાગઢ સહિતના એસ.ટી. ડેપોમાં વરસાદી માહોલમાં ભીડ જોવા મળી હતી. એસ.ટી. ડિવિઝનના સુત્રોએ જણાવ્યું હતું કે રક્ષાબંધનની સાથે સ્વતંત્ર પર્વની ઉજવણીનો માહોલ એસ.ટી. તંત્ર માટે ફળદાયી રહ્યો હતો. હવે સાતમ-આઠમના તહેવારો દરમિયાન પણ એસ.ટી. બસોમાં ભારે ટ્રાફિક જોવા મળશે. આજે તા. 12ના તિરંગા યાત્રાની ઉજવણી સર્વત્ર થઈ રહી છે.