22 વીઘામાં પ્રાકૃતિક મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ખેતી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
- Advertisement -
જૂનાગઢ પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી. પરંતુ સાંપ્રત સમયમાં વઘુ ખેતઉત્પાદન મેળવવાની ઘેલછામાં રાસાયણીક ખાતર અને જંતુનાશક રાસાયણિક દવાઓનાં વણજોઇતા આડેધડ વપરાશનાં કારણે પ્રકૃતિનું શોષણ એટલા સ્તરે પહોંચ્યું છે કે માનવના અસ્તિત્વ પર જોખમ ઉભુ થયું છે. રાસાયણિક દવા અને ખાતરની માનવજીવન પર કેટલીક વિપરતી અસરો જોવા મળી હોય તેનું જીવંત ઉદાહરણ કેન્સરના વધતા દર્દીઓ છે. જમીન, પાણી, હવા, વગેરે દરેક પ્રકારના કુદરતી સર્જનમાં પ્રદુષણ ફેલાયું છે. જમીનનું સ્વાસ્થ્ય એટલું ખરાબ થઈ ગયુ છે કે તેમાં ઉત્પન્ન થતાં વનસ્પતિ અને અનાજ ખૂબ ઝેરી થઈ ગયા છે. તેથી જ હવે રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી તરફ તમામ ખેડૂતોને દોરી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજીની પ્રેરણાથી ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે ધરતીમાતાને બચાવી શકાય અને ગાય આધારીત ખેત પધ્ધતિ ગાયનાં પાલન પોષણથી આહારમાં ગાયનાં દુધનો ઉપયોગ થવાથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે.
પ્રાકૃતિક ખેતીના આ સામૂહિક પ્રયાસમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પણ જોડાયા છે. જેમા વિસાવદર તાલુકાના નાનકડા છાલડા ગામનાં રહેવાસી ખેડૂત શૈલેષભાઇ રવજીભાઇ રાદડીયા પાસે 22 વીઘા જમીન છે, અને તેઓ છેલ્લા 10 વર્ષથી વધારે સુભાષ પાલેકર પદ્ધતિ આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. શૈલેષભાઈએ 22 વીઘામાં ઋતુ અનુસાર વાવેતર કરતા રહે છે. ચોમાસામાં મુખ્યપાક મગફળી હોય કે કપાસનું વાવેતર કરે પણ મુખ્ય પાકની સાથે મિશ્રપાકનુ પણ વાવેતર કરે છે. જેમા તેઓ જણાવે છે કે આ મિશ્રપાક મિત્રપાક તરીકે પણ કાર્ય કરે છે. જેમા હળદર, મરચી, ઘાણા અને જૂદા-જૂદા શાકભાજી વગેરે રોકડીયા પાક બજારની જરૂરત સંતોષે અને પોતાની આવકમાં વૃધ્ધિ કરે તે રીતે વાવેતર કરે છે. ઉપરાંત ખેતરને ફરતે શૈલેષભાઇ સુર્યમુખીનાં છોડનું ચાર હારમાં વાવેતર કરે છે. કેસર આંબાનાં છોડની સાપેક્ષમાં પપૈયાનાં ફળાવ છોડ અને મસાલા શાકભાજીનાં વેલા આધારીત મિત્ર પાકોનું વાવેતર આવકમાં વૃધ્ધી કરે છે સાથે નિંદામણને નિવારી મુખ્યપાકને સારી જમીન પુરી પાડવા મદદરૂપ બને છે અને મિત્ર કીટકો અને કૃષિમાટે ઉપયોગી ફુગને સંવર્ધન કરે છે.