વિતરણ હજુ ચાલુ રાખવાની જાહેરાત છતાં પુરવઠા સતાવાળાઓ જણાવે છે કે કેન્દ્ર સરકારે જ હજુ સુધી નાફેડને ફાળવણી કરી નથી!
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં જ રાજયનાં પુરવઠા તંત્રનાં ઉચ્ચ સતાધીશોએ રેશનીંગમાં લાભાર્થીઓને અપાતી તુવેરદાળનું વિતરણ હજુ ચાલુ જ રાખવામાં આવનાર હોવાની જાહેરાત કરી હતી. આમ છતા છેલ્લા બે માસ કરતાં વધુ સમય થયો હોવા છતાં આજ સુધી રેશનકાર્ડ ધારકોને તુવેર દાળનું વિતરણ શરૂ કરાયું નથી. આથી એવા અનેક લાભાર્થીઓ છે કે હજુ સુધી તુવેરદાળની રાહ જોઈ બેઠા છે.
- Advertisement -
આવા લાભાર્થીઓ, તુવેરદાળ અંગે રેશનીંગનાં દુકાનદારોને પૂછપરછ કરે છે તો દુકાનદારો માત્ર એક જ જવાબ આપે છે કે ઉપરથી જ હજુ ફાળવણી થઈ નથી. દરમ્યાન આ પ્રશ્ન અંગે રાજયનાં જવાબદાર પુરવઠા સતાવાળાઓનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જ છેલ્લા બે માસથી નાફેડને તુવેરદાળની ફાળવણી થઈ નથી. આથી નાફેડ દ્વારા આજ સુધી રાજયનાં પૂરવઠા તંત્રને તુવેરદાળ અપાઈ નથી.અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર નાફેડને તુવેરદાળ ફાળવે છે અને નાફેડ દ્વારા ટેન્ડર કરી દાળનું મીલીંગ કરાવાય છે.
ત્યારબાદ પુરવઠા વિભાગને વિતરણ માટે અપાય છે. જોકે બે માસ કરતા વધુ સમયથી તુવેરદાળ કેન્દ્ર સરકારે ફાળવી ન હોય નાફેડે વિતરણ અંગેની કોઈ પ્રક્રિયા આજ સુધી હાથ ધરી નથી.પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજયમાં દર મહિને રેશનકાર્ડ ધારકો માટે 7 હજાર ટન, તુવેરદાળ ફાળવાય છે અને આ દાળ રૂા.50 લેખે લાભાર્થીઓને અપાય છે. જોકે, આ દાળ મોંઘી પડતી હોય મોટાભાગનાં લાભાર્થી લેતા નથી આથી વેપારીઓ પણ મોટાભાગે તુવેરદાળના જથ્થાનો ઉપાડ કરતા નથી.