દિલ્હીમાં અધિકારીઓ કામ ન કરે તો શું રાજય સરકાર કઈ ન કરી શકે! ચીફ જસ્ટીસનો પ્રશ્ન: કેન્દ્રનો બચાવ કરતા સોલીસીટર જનરલ
પાટનગર દિલ્હીમાં ચુંટાયેલી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સતત વધી રહેલી ટકકરમાં સર્વોચ્ચ અદાલતે એક મહત્વના વિધાનમાં દિલ્હીના શાસનમાં કેન્દ્રની વધતી જતી દખલગીરી મુદે સીધો પ્રશ્ન પૂછતા જણાવ્યું કે જો દિલ્હીના તમામ નિર્ણયો કેન્દ્ર સરકારે જ લેવાના હોય તો પછી ચુંટાયેલી સરકાર જ શા માટે છે!
- Advertisement -
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની ખંડપીઠ સમક્ષ કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે અધિકારોની વહેંચણી અંગેનો કેસ આવ્યો છે. જેના પર ચીફ જસ્ટીસે આ ટીપ્પણી કરી હતી તેનો જવાબ આપતા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જે અધિકારીઓ છે તેના પર કેન્દ્ર સરકારનો અધિકાર હોય છે અને તેઓ દિલ્હી સરકારના સંબંધીત વિભાગો માટે કામ કરે છે અને દિલ્હી સરકારને જ રીપોર્ટ કરે છે.
જો કે ચીફ જસ્ટીસે કહ્યું કે, આ પ્રકારની વ્યવસ્થાથી એક અજીબ ચિત્ર સામે આવે છે. માનો કે કોઈ અધિકારી કામ કરતા નથી અથવા તેમનું કામ યોગ્ય રીતે કરતા નથી પણ તેની નિયુક્તિ પોષ્ટીંગ-બદલી તમામ કેન્દ્રનો અધિકાર છે તો પછી દિલ્હી સરકાર તેની સામે કઈ રીતે એકશન લઈ શકશે!
રાજય સરકાર એ અધિકારીને બદલી ન શકે! જેના જવાબમાં સોલીસીટર જનરલે કહ્યું કે, આ પ્રકારની સ્થિતિમાં નિર્ણય લેવાની એક પ્રક્રિયા છે. તેઓએ જવાબ આપ્યો કે દિલ્હીમાં લેફ. ગવર્નરની ભૂમિકા પ્રભાવક હોય છે. દિલ્હી દેશની રાજધાની છે તેથી તેના શાસન પર કેન્દ્રનું નિયંત્રણ હોવું જરૂરી છે. ઉપરાંત કોઈ ખાસ ક્ષેત્રને કેન્દ્ર શાસીત પ્રદેશ જાહેર કરવા પાછળનો હેતુ પણ એ જ છે કે કેન્દ્ર તેમાં નિર્ણાયક બને છે.
- Advertisement -