ધારાસભ્ય પબુભા માણેકની મધ્યસ્થીથી માછીમારોને મોટી રાહત
ખાસ-ખબર ન્યૂઝ ઓખા
- Advertisement -
ઓખાના ડાલડા બંદર ખાતે માછીમારો અને ફીશરીઝ વિભાગ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ ધારાસભ્ય પબુભા માણેકની મધ્યસ્થીથી ઉકેલાઈ ગયો છે. આ વિવાદનું સમાધાન થતા સ્થાનિક અને બહારના હજારો માછીમારોને મોટી રાહત મળી છે.
ઓખાનું ડાલડા બંદર મત્સ્ય ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં 2,500 થી વધુ બોટો અને હજારો લોકોની રોજીરોટી સંકળાયેલી છે. આ વર્ષે માછીમારીની સિઝન શરૂ થાય તે પહેલાં, ફીશરીઝ વિભાગે બોટના લાઇસન્સ રિન્યૂ કરવા માટે કેટલાક નવા અને અવ્યવહારુ નિયમોનું પાલન કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આ નવા નિયમોથી માછીમારોમાં રોષ ફેલાયો હતો, અને તેમણે તાત્કાલિક ધારાસભ્ય પબુભા માણેકને રજૂઆત કરી હતી.
માછીમારોની સમસ્યા અને સ્થાનિક રોજગારીની ચિંતાને ધ્યાનમાં રાખીને, ધારાસભ્ય પબુભા માણેકે તાત્કાલિક ફીશરીઝ વિભાગના અધિકારીઓ અને માછીમારી આગેવાનો વચ્ચે બેઠક યોજી. આ બેઠકમાં તેમણે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરીને બોટના લાઇસન્સ રિન્યૂ કરવા માટે એક વ્યવહારુ ઉકેલ શોધ્યો. આ સમજૂતીથી માછીમારો અને ફીશરીઝ વિભાગ વચ્ચેની મડાગાંઠનો સુખદ અંત આવ્યો. તમામ માછીમાર આગેવાનોએ આ સહકાર બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.