મહાપાલિકા અને રોટરી ક્લબના આયોજનમાં લખોટી, થપો, ભમરડો જેવી રમતોનો લોકોએ આનંદ માણ્યો: કમિશનર સ્વપ્નીલ ખરે પણ જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
મોરબીમાં સોશિયલ મીડિયા અને મોબાઈલના વધતા ઉપયોગ વચ્ચે વિસરાઈ રહેલી શેરી રમતોને ફરી જીવંત કરવા માટે મહાપાલિકા અને રોટરી ક્લબ દ્વારા રવિવારે કેસર બાગ ખાતે ’ધમાલ ગલી’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા કાર્યક્રમમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આયોજનનો મુખ્ય હેતુ લખોટી, થપો, ટાયર ફેરવવા, લંગડી, આંધળોપાટો અને ભમરડા જેવી ભૂલાઈ ગયેલી પરંપરાગત રમતોનો આનંદ માણવાનો હતો. કાર્યક્રમમાં મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ કોથળા દોડ, ધમાલિયો ધોકો, મલ કુસ્તી અને દોરડા કૂદ જેવી વિવિધ રમતોની મજા માણી હતી, જેનાથી કેસર બાગનું વાતાવરણ ધમાલિયું બની ગયું હતું. રોટરી ક્લબના પ્રેસિડેન્ટ સહિતના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આયોજકોએ જણાવ્યું છે કે, લોકોના સકારાત્મક પ્રતિભાવને ધ્યાનમાં રાખીને દર મહિને મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આવી જ રીતે ’ધમાલ ગલી’નું આયોજન કરવામાં આવશે.



