અધિકારીઓ કોઈ પ્રતિભાવ આપતા નથી: મીટીંગમાં આમંત્રણ મળતુ નથી
‘બિહાર હૈ તો બહાર હૈ’ એવું કહેવાય છે, પણ ગયા નગરપાલિકાનાં મહિલા ડેપ્યુટી મેયર સાથે જ નગરપાલિકામાંથી બહાર છે. તેમને બજારમાં શાકભાજી વેચવાનો વારો આવ્યો છે. સોમવારે ડેપ્યુટી મેયર ચિંતાદેવી ઓફિસ જવાને બદલે શાકમાર્કેટમાં જોવાં મળ્યાં હતાં.
- Advertisement -
તેમને દૂધી વેચતાં જોઈને લોકો ટોળે વળ્યા અને કારણ પૂછયું તો ચિંતાદેવીએ ચિંતાજનક કારણ આપ્યું. તેમણે કહ્યું કે પાલિકાના અધિકારીઓ કોઈ પ્રતિભાવ આપતા નથી, મીટીંગ હોય તો મને નિમંત્રણ પણ અપાતું નથી. નગરપાલિકા જે યોજના ચલાવે છે એની માહિતી પણ અધિકારીઓ મને આપતા નથી.’ મહિનાઓ સુધી વેતન પણ અપાયું નથી એવો આક્ષેપ કરીને ચિંતાદેવીએ કહ્યું કે તેમના વિસ્તાર માટે ભંડોળ પણ ફાળવાયું નથી એટલે વિકાસકાર્યો થઈ શકતાં નથી, લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.
એટલે જ કંટાળીને શાકભાજી વેચવાનું નકકી કર્યું છે, શાક વેચીને થોડાઘણા પૈસા તો મળશે. ચિંતાદેવી પહેલાં નગરપાલિકામાં સફાઈ-કામદાર હતાં. તેમને પેન્શન મળે છે, પણ હવે ડેપ્યુટી મેયરની જવાબદારી સંભાળે છે. એટલે પાલિકાની યોજનાઓ વિશે માહિતી હોવી જોઈએ, પણ કોઈ માહિતી વિના મીટિંગમાં જઈને કરવું શું? એ વિશે તેમણે ઘણી વાર નિગમ કાર્યાલયમાં ફરિયાદ કરી છે, પણ કોઈ સાંભળતું નથી.