બાળકને શોધવા માટે કેનાલ બંધ કરાવાયા બાદ મોડી રાત્રે બે વાગ્યે મૃતદેહ મળ્યો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના કેનાલ રોડ ઉપર અવની ચોકડી નજીક આશીર્વાદ બિલ્ડિંગમાં ચોકીદાર તરીકે કામ કરતા નેપાળી પરિવારનો ત્રણ વર્ષનો બાળક આયુષ વિરેન્દ્રભાઈ સુનાર રમતા રમતા કેનાલમાં પડી જતા મોરબી ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલે સવારે સાડા અગિયાર વાગ્યા બાદ બાળકને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જો કે બીજી તરફ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડાયું હોય ધસમસતા પ્રવાહ વચ્ચે આ બાળકને શોધવો મુશ્કેલ જણાતા કેનાલ બંધ કરવામાં આવી હતી.
બીજી તરફ કલાકો સુધી કેનાલમાં બાળકની શોધખોળ કરવા છતાં માસુમ બાળક આયુષની મોરબી ફાયર બ્રિગેડ વિભાગને કોઈ ભાળ ન મળતા આ કેનાલમાં આગળને આગળ તપાસ કરવામાં આવતા છેક વાવડી ગામ નજીકથી રાત્રીના બે વાગ્યાના અરસામાં લાશ મળી આવી હતી જેથી માસુમ ફૂલ જેવા બાળકનો મૃતદેહ મળતા નેપાળી પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું અને અરેરાટી વ્યાપી જવા પામી હતી.