શેખ હસીનાના રાજદ્વારી પાસપોર્ટ રદ, બાંગ્લાદેશ પરત ફરવાનું દબાણ રહેશે
બાંગ્લાદેશની વર્તમાન સરકારે પણ શેખ હસીનાના રાજદ્વારી પાસપોર્ટને રદ કરવાની જાહેરાત કરી, પાસપોર્ટ રદ થવાને કારણે હવે શેખ હસીના પર બાંગ્લાદેશ પરત ફરવાનું દબાણ રહેશે.
- Advertisement -
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે .બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુસીબતોનો અંત નથી આવી રહ્યો. 5 ઓગસ્ટે પોતાનો જીવ બચાવવા માટે ઢાકાથી ભારત આવીને આશ્રય લેવો પડ્યો હતો. ભારત પહોંચતા પહેલા શેખ હસીનાએ વડાપ્રધાન પદ પણ છોડવું પડ્યું હતું. હવે બાંગ્લાદેશની વર્તમાન સરકારે પણ શેખ હસીનાના રાજદ્વારી પાસપોર્ટને રદ કરવાની જાહેરાત કરી છે એટલે કે શેખ હસીના જે પાસપોર્ટ સાથે ભારત આવી હતી તે હવે માન્ય નથી. પાસપોર્ટ રદ થવાને કારણે હવે શેખ હસીના પર બાંગ્લાદેશ પરત ફરવાનું દબાણ રહેશે.
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પાસપોર્ટ રદ થવાને કારણે હવે શેખ હસીના પર બાંગ્લાદેશ પરત ફરવાનું દબાણ રહેશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશનો સત્તાવાર અથવા રાજદ્વારી પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિને 45 દિવસ સુધી વિઝા વિના ભારતમાં રહેવાની છૂટ છે. શેખ હસીનાને ભારતમાં રહેવામાં કદાચ કોઈ સમસ્યા ન આવે કારણ કે તેમણે હાલમાં ભારતમાં આશરો લીધો છે પરંતુ તે હવે અન્ય કોઈ દેશમાં જઈ શકશે નહીં.
બાંગ્લાદેશ શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી શકે
બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ 50 થી વધુ કેસ નોંધાયેલા છે જેમાં મોટાભાગે હત્યાના કેસ છે. સંયુક્ત રાષ્ટ્રની એક ટીમ પણ બાંગ્લાદેશ પહોંચી છે જે શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન થયેલા માનવાધિકાર ઉલ્લંઘનના મામલાની તપાસ કરશે. યુએનની ટીમે પોતાની પ્રાથમિક તપાસમાં શેખ હસીના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં બાંગ્લાદેશ સરકાર ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી શકે છે.
- Advertisement -
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013થી પ્રત્યાર્પણ સંધિ છે. અગાઉ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અત્યારે આ એક અનુમાનિત સ્થિતિ છે, એટલે કે બાંગ્લાદેશ દ્વારા હજુ સુધી કોઈ માંગણી કરવામાં આવી નથી. બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં વિવાદાસ્પદ આરક્ષણ પ્રણાલીને લઈને તેમની સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા ભારે વિરોધને પગલે 76 વર્ષીય શેખ હસીનાએ 5 ઓગસ્ટના રોજ રાજીનામું આપ્યું હતું અને ભારત આવી ગયા હતા. જુલાઈના મધ્યમાં હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનોથી અત્યાર સુધીમાં 600 થી વધુ લોકો માર્યા ગયા છે. શેખ હસીનાને હટાવ્યા બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી.