એમોસ કંપનીના ડિરેક્ટરો સામે ગંભીર પ્રકારનો ગુનો છે, ઝેરી પ્રવાહી કંપની એ દ્વારા આપવામાં આવ્યું હતું: ગ્રામ્ય કોર્ટ
લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા અને અસરગ્રસ્તો માટે એમોસ કંપની અને તેના માલિકો જ સીધા જવાબદાર : સરકારી વકીલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
ધંધુકામાં થયેલા લઠ્ઠાકાંડ મામલે એમોસ કંપનીના ચાર ડિરેક્ટરોએ કરેલી ડિસ્ચાર્જ અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગુજરાતમાં દારૂનું વેચાણ પ્રતિબંધિત હોવા છતાં દારૂ બનાવવા માટે ઝેરી પ્રવાહી મિથાઈલ આલ્કોહોલનું વેચાણ આરોપીની કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ છે. ગંભીર પ્રકારનો ગનો છે, તેની તપાસ ચાલી રહી છે. સમગ્ર પ્રકરણમાં ચારે ડિરેક્ટરોની પણ ભૂમિકા હોવાનું પ્રથમદર્શિય સાબિત થાય છે. ત્યારે તેમને ડિસ્ચાર્જ કરી શકાય નહીં. બીજી તરફ ચારે ડિરેક્ટરોએ હાઇકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે. જેના પર આગામી દિવસોમાં સુનાવણી યોજવામાં આવશે. અમદાવાદ જિલ્લાના ધંધુકા, બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં કુલ 49 લોકોનાં મોત નિપજ્યા હતા, દરમ્યાનમાં એમોસ કંપનીના ડિરેક્ટર સમીર નલીનભાઇ પટેલ, પંકજ કાંતિલાલ પટેલ, ચંદુભાઇ ફારૂકભાઇ પટેલ અને રજીત મહેશભાઇ ચોક્સીએ કેસમાંથી બિનતોહમત (ડિસ્ચાર્જ) છોડી મુકવા અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, અમે કંપનીના માલિકો છીએ, તે સિવાય અમારો કોઇ જ રોલ નથી, અમારી સામે કોઇ જ પુરતા પુરાવા નથી, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, અમારી સામે ચાર્જફ્રેમ થાય તેટલા પુરાવા ન હોવાથી ડિસ્ચાર્જ કરવા જોઇએ. જો કે, અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે, લઠ્ઠાકાંડમાં મૃત્ય પામેલા અને અસરગ્રસ્તો માટે એમોસ કંપની અને તેના માલિકો જ સીધા જવાબદાર છે.
એમોસ કંપનીની પ્રિમાઈસીસમાં સીસીટીવી કેમેરા તેમજ સિક્યોરિટી નહીં રાખતા કંપનીમાંથી મિથાઈલ આલ્કોહોલનો જથ્થો અંદર લાવવા કે બહાર નીકળવા પર કોઈ નિયંત્રણ રાખવામાં આવ્યું નહોતુ. જેના લીધે કંપનીમાં કામ કરતો જયેશ મિથાઈલ આલ્કોહોલનો જથ્થો ગેરકાયદે રીતે બહાર લઈ ગયો હતો અને જેમાં સંખ્યાબંધ લોકોના મોત નિપજયા હતા. તેમણે વધુમાં એવી પણ દલીલ કરી હતી કે, સમગ્ર પ્રકરણમાં એમોસ કંપની તરફથી ગર્ભિત સંમતિ આપેલ હોવાનું જણાઈ આવે છે. એમોસ કંપનીના માલિકોને જાણે છે કે મિથાઇલ આલ્કોહોલ ઝેરી પદાર્થ છે. જે પદાર્થ જો કોઇ વ્યકિત પીણા તરીકે ઉપયોગ કરે તો તે પીનારનું મૃત્યુ પણ નીપજી શકે છે. આમ, લાઈસન્સના નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવાની તથા કરાવવાની જવાબદારી સર્વે ડાયરેકરોની બને છે. આમ છતાં તેઓએ ગંભીર પ્રકારની બેદરકારી દાખવાથી બનાવ બન્યો હતો. ત્યારે એક પણ આરોપીને ડિસ્ચાર્જ ન કરવો જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે તમામની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે.
600 લિટર મિથાઇલ ડિલિવરી ચલણ વગર લઇ જવાયું હતું: પોલીસ
આરોપીઓની ડિસ્ચાર્જ અરજી સામે પોલીસે કરેલી એફિડેવીટમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, એમોસ કંપનીના સુપરવાઈઝર જયેશ મિથાઈલ આલ્કોહોલનો 600 લીટરનો જથ્થો કોઈપણ ડિલિવરી ચલણ વગર ફિનાર કંપનીમાં લઈ જવાને બદલે અન્ય જગ્યાએ લઈ ગયો હતો. એમોસ કંપનીમાં નશાબંધી વિભાગ દ્વારા તપાસ કરતા ઈથાઈલ એસીટેટ 200 લીટર તથા નાઈટ્રો બેન્ઝીન 422 લીટર જેવા બીજા કેમિકલ મળી આવ્યા હતા.
- Advertisement -
કંપનીએ નિયમોને નેવે મૂકતા ઘટના બની: સરકાર
સરકાર તરફે એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, સર્વે ડાયરેક્ટરોએ ભેગા મળી જયેશ રમેશભાઇ ખાવડીયાને સંચાલન કરવા મુખ્ય વ્યક્તિ તરીકે રાખ્યો હતો પરંતુ તેની પાસે તેની કોઇ લાયકાત હતી નહીં. સર્વે ડાયરેક્ટરોએ લાયસન્સના નિયમોને નેવે મૂકતા 600 લીટર જથ્થો બહાર ગયો હતો અને તેના કારણે જ આ ઘટના બની છે. આમ ડાયરેક્ટરોએ જ મિથાઇલ આલ્કોહોલ જેવા ઝેરી પદાર્થોના હિસાબમાં ગોલમાલ કરી જથ્થો વેચાણ આપવામાં આવ્યો હતો.