માત્ર માફી માંગવી પૂરતી નથી પરંતુ જાણીબુઝીને કરાયેલા અદાલતી તિરસ્કારના આ કૃત્ય બદલ શિક્ષા થવી જરૂરી : કોર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ ગાયેલા ગીત ’ચાર ચાર બંગડી’ ફરી એકવાર ચર્ચામાં છે. સેશન્સ કોર્ટે આ ગીત ગાવા બદલ કિંજલ દવેને સબક સમાન એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે. ત્યારે જાણો શું છે સમગ્ર મામલો.
અગાઉ, સિવિલ કોર્ટે કિંજલ દવેને ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીતના કોપીરાઈટ વિવાદ મુદ્દે તેને કોઇપણ રીતે લાઇવ, પબ્લિક ડોમેન કે સોશિયલ મીડિયામાં ગાવા પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવાયો હતો. તેમ છતાં કિંજલ દવેએ ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા સહિતના લાઈવ પરફોર્મન્સ અને યુ ટયુબ તેમ જ પબ્લિક ડોમેનમાં ગાતા તેની વિરુદ્ધ અદાલતી હુકમના તિરસ્કારની બદલ વાદી રેડ રીબન એન્ટરટેઈમેન્ટ પ્રા.લિ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી. જેમાં કોર્ટે કિંજલ દવેને સબક સમાન એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે.
જો કિંજલ દવે સાત દિવસમાં દંડની રકમ નહી ભરે તો તેને એક સપ્તાહની સાદી કેદ ભોગવવા પણ કોર્ટે હુકમમાં ઠરાવ્યું હતું. મૂળ વાદી રેડ રીબન એન્ટરટેઈનમેન્ટ પ્રા.લિ તરફથી સિવિલ પ્રોસીજર કોડ-1908ની કલમ- 151ની રૂલ-39(2-એ) અન્વયે અરજી કરી કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઇ વાદી કોપીરાઈટ હક્કો ધરાવે છે અને આ ગીતના શબ્દો, ગીત અને તેના ગાવા-વગાડવા પર તેમનો અધિકાર છે તેમ છતાં કિંજલ દવેએ તેમના આ અધિકાર પર તરાપ મારી ગીત અને શબ્દોની ઉઠાંતરી કરી આ ગીત બજારમાં ફરતું કર્યું છે, જેના કારણે વાદીને ભરપાઇ ના થઈ શકે તેવું નુકસાન થયું છે. કિંજલ દવેએ પોતે તેની ઉલટતપાસમાં કબૂલ્યું છે કે, તેણે નવરાત્રિ 2023માં 20થી 25 વખત આ ગીત ગાયું છે. કિંજલ દવેએ એવો બચાવ કર્યો કે, તેણે આ ગીત ભારતની બહાર ગાયું છે, તેથી કોર્ટનો પ્રતિબંધ તેવા કિસ્સામાં લાગુ ના પડે. કોર્ટે તેના આ બચાવને ફગાવતાં પ્રતિવાદી તરફથી બિનશરતી માફી મંગાઇ હતી. કોર્ટે જણાવ્યું કે, માત્ર માફી માંગવી પૂરતી નથી પરંતુ જાણીબુઝીને કરાયેલા અદાલતી તિરસ્કારના આ કૃત્ય બદલ શિક્ષા થવી જરૂરી છે. આમ કહીં કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને તે સાત દિવસમાં વાદીને ચૂકવી આપવા ફરમાન કર્યું હતું.
કોર્ટે ચાર ચાર બંગડી ગીત મામલે કિંજલ દવેને રૂા.1 લાખનો દંડ ફટકાર્યો
