ખાસ-ખબર સંવાદદાતા
વૈશ્વિક સ્તરે ખાસ કરીને યુએસ અને યુરોપના માર્કેટમાં સ્લોડાઉનને કારણે વૈશ્વિક માંગ ઘટતા દેશની નિકાસ જૂન દરમિયાન 22% ઘટીને 32.97 અબજ સાથે 3 વર્ષના નીચલા સ્તરે નોંધાઇ છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર જૂનમાં આયાત-નિકાસમાં ઘટાડો થવાને કારણે વેપાર ખાધ પણ ઘટીને 20.3 અબજ નોંધાઇ છે જે અગાઉ 22.07 અબજ હતી.આયાત પણ 17.48% ઘટીને 53.10 અબજ નોંધાઇ હતી. મે 2020 દરમિયાન કોવિડ-19 મહામારીની અસરને કારણે નિકાસ 36.47% ઘટી હતી. વાણિજ્ય સચિવ સુનિલ બાર્થવાલે જણાવ્યું હતું કે ટ્રેડ સેક્ટરનો ગ્રોથ વૈશ્વિક પરિબળો પર નિર્ભર હોય છે.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને જે રીતે વૈશ્વિક વેપારમાં સ્લોડાઉનની આશંકા વ્યક્ત કરી હતી તે ડર હવે સાચો સાબિત થઇ રહ્યો છે. વેપારમાં મંદીના કારણ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે યુએસ, યુરોપ જેવા મહત્વના માર્કેટમાં સ્લોડાઉન છે અને ત્યાં ફુગાવાનું દબાણ પણ વધી રહ્યું છે. કેટલાક અમીર દેશોમાં સખત નાણાકીય નીતિને પગલે પણ મેન્યુફેક્ચરિંગ અને બિઝનેસને અસર થવાને કારણે સ્લોડાઉન જોવા મળ્યું હતું. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આગામી મહિનામાં માંગમાં તેજી જોવા મળશે તેવી અપેક્ષા રાખે છે.
- Advertisement -
વૈશ્ર્વિક અર્થતંત્ર 2.1%ના દરે વૃદ્ધિ પામશે
વર્લ્ડ બેન્ક ગ્લોબલ ઇકોનોમિક પ્રોસપેક્ટ રિપોર્ટ અનુસાર, વૈશ્વિક અર્થતંત્ર વર્ષ 2023 દરમિયાન 2.1%ના દરે વૃદ્ધિ પામશે જે ગત વર્ષે 3.1%નો વૃદ્ધિદર નોંધાવ્યો હતો. નિકાસની દૃષ્ટિએ 30 મુખ્ય સેકટર્સમાંથી 21 સેક્ટર્સમાં નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો. તેમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, પ્લાસ્ટિક, રેડીમેડ ગારમેન્ટ, એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે.