જૂનાગઢમાં શિવરાત્રિનાં મેળાને લઈ વિસ્તાર મુજબ એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની નિમણુંક : દરરોજ 14 એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ મેળામાં ફરજ પર રહેશે
57 એકર ભવનાથ તીર્થક્ષેત્રમાં યોજાશે મહાશિવરાત્રિનો મેળો
દર વર્ષે 8થી 10 લાખ ભાવિકો પૂણ્યનું ભાથુ બાંધી ધન્યતા અનુભવે છે
ભવનાથના 57 એકર તીર્થક્ષેત્રમાં શિવરાત્રિનો મેળો યોજાય છે. રાજ્યમાં એક માત્ર શિવરાત્રિના મહાપર્વે ધર્મક્ષેત્ર ભવનાથમાં પાંચ દિવસ સુધી મેળો યોજાય છે. મહાવદ નોમથી મહાવદ તેરસ સુધી મેળો યોજાય છે. મેળામાં દિગંબર સાધુઓના હઠયોગનાં દર્શન કરવા લાખો ભાવિકો આવે છે. શિવરાત્રિનાં મેળામાં દિગંબર સાધુઓની રવાડી અને શાહી સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. શિવરાત્રિનાં દિવસે રાત્રે રવાડી અને શાહીસ્નાન થાય છે, બાદ મેળો પૂર્ણ થાય છે. પરંતુ મહાવદ નોમના દિવસે ભવનાથ મહાદેવ મંદિર પર ધજારોહણ સાથે મેળાનો પ્રારંભ થતો હોય છે. મેળાની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. મેળામાં ફજેતફાળકા પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ઉપરાંત શિવરાત્રિનાં મેળાને લઈ એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની નિમણુંક કરવામાં આવી છે. જુદા-જુદા વિસ્તાર માટે એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની નિમણુંક થઈ છે. મેળાનો 25 ફેબ્રુઆરીથી પ્રારંભ થાય છે અને 1 માર્ચના પૂર્ણ થાય છે. દરરોજના 14 એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની નિમણુંક અપાઈ છે. દરરોજ બદલતા રહેશે. આ પ્રકારે પ્રથમ વખત પ્રયોગ કરવામાં આવ્યો છે.

- Advertisement -
તૈયારીઓને આખરી ઓપ

ભવનાથ તીર્થક્ષેત્ર કેટલું દૂર?
7 કિ.મી. બસ સ્ટેશનથી
6 કિ.મી. રેલવે સ્ટેશનથી
6 કિ.મી. મજવેડી દરવાજાથી
5 કિ.મી. કાળવા ચોકથી
6 કિ.મી. દિવાન ચોકથી
- Advertisement -
3 અખાડા ક્યા છે?
અગ્નિ અખાડો: ભવનાથ મંદિરની બાજુમાં ડાબા હાથ ઉપર અગ્નિ અખાડો આવેલો છે.
જૂના અખાડો મંદિર પાછળ: ભવનાથ મંદિરની પાછળના ભાગમાં પંચદશનામ જૂના અખાડા અને પંચદશનામ આહ્વાન અખાડા આવેલા છે.
જૂનાગઢ સિવાય અહીં નીકળે છે રવાડી
જૂનાગઢ શહેરનાં ભવનાથ સિવાય નેપાળ, હરિદ્વાર, કાશી અને જગન્નાથપુરમાં દર વર્ષે મહાશિવરાત્રિના રવાડી
નીકળે છે.
રવાડી કઈ રીતે નીકળે છે?
પહેલાં શ્રી પંચ દશનામ જૂના અખાડેથી ગુરુદત્તની પાલખી નીકળે, ત્યારબાદ શ્રી શંભુ દશનામ આહ્વાન અખાડેથી ગણપતિજીની પાલખી નીકળે અને પછી અગ્નિ અખાડેથી ગાયત્રી માની પાલખી નીકળે છે. પાલખી યાત્રા ભવનાથ તીર્થમાં એકથી દોઢ કિ.મી. ફરે છે.
મુખ્ય ઝોનલ ઓફીસ
ભવનાથ મંદીરના પાછળના ભાગે જમણી બાજુ મનપાની મુખ્ય ઝોનલ ઓફીસ રહેશે. દત્ત ચોકથી સીધી અને જમણી બાજુ થઈ પણ જઈ શકાશે.રવાડી પછી મૃગીકુંડમાં સ્નાન
જૂનાગઢનાં ભવનાથ મંદીરમાં મૃગીકુંડ આવેલો છે. મહાશિવરાત્રિનાં દિવસે રવાડી નીકળ્યા બાદ અહીં દિગંબર સાધુઓ શાહીસ્નાન
કરે છે.
મેળામાં ભક્તિ, કર્મ અને સેવાનો સંગમ
આમ તો ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ માટે મેળો પ્રખ્યાત છે, પરંતુ દિગંબર સાધુઓની ભક્તિ, વહિવટી તંત્ર અને પોલીસ કર્મચારીઓ કર્મ તથા નિ:સ્વાર્થભાવે રાત-દિવસ અન્નક્ષેત્ર ચલાવતા લોકોની સેવા મેળામાં જોવા મળે છે.
ભવનાથ પોલીસ સ્ટેશન
જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસથી સીધા જતાં પ્રવેશ ગેઈટની આગળ જમણા હાથે ભવનાથ પોલીસ સ્ટેશન છે. તેની બાજુમાં રીંગ રોડ આવેલો છે.
ભારતી આશ્રમની બાજુમાં ફજેતફાળકો
ભારતી આશ્રમની બાજુમાં ફજેતફાળકો રહેશે. અહીં દત્ત ચોક અને પ્રવાસ ગેઈટની ડાબી બાજુથી અહીં જઈ શકાશે. અહીં ખાણી-પીણીના સ્ટોલ પણ રહેશે.
મુખ્ય પાર્કિંગ ક્યાં રહેશે?
મેળાને લઈ વાહન પાર્કિંગની વ્યવસ્થા થશે, પરંતુ મુખ્ય પાર્કિંગ જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની સામે રહેશે. એસ.ટી. બસ અહીં સુધી આવશે અને અહીંથી ફરી ઉપડશે.
શિવરાત્રિનાં મેળામાં પ્રવેશ અને બહાર કેમ નીકળશો?
મેળામાં પ્રવેશ: રાજકોટ તરફથી આવતા લોકોએ મજેવડી દરવાજાથી ભરડાવાવ થઈ પ્રવેશ કરવાનો રહેશે. કાળવા ચોક તરફથી આવતા લોકોએ ગીરનાર દરવાજાથી ભરડાવાવ થઈ પ્રવેશ કરવાનો રહેશે.
મેળામાંથી બહાર: મેળામાંથી બહાર નીકળવા માટે સ્મશાન સુધી આવવાનું રહેશે. સ્મશાનથી સીધા ગીરનાર દરવાજાએ નીકળી શકાશે. ગીરનાર દરવાજાએથી કાળવા ચોક તરફ અથવા ભરડાવાવ થઈ મજેવડી દરવાજે જઈ શકાશે.
મુખ્ય 3 આશ્રમ ક્યા છે?
ભારતી આશ્રમ: દત્ત ચોકથી ડાબી બાજુ વળતા સામે ભારતી આશ્રમ છે. અહીં જવા પ્રવાસન ગેઈટની બાજુમાં ડાબી બાજુ અથવા જમણી બાજુ વળીને જઈ શકાય છે.
રૂદ્રેશ્ર્વર જાગીર આશ્રમ: જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસથી આગળ જતાં રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમનો ગેઈટ આવે છે. ગેઈટમાંથી પ્રવેશ કરી નીચે ઉતરતા કચ્છી ભવન, કલ્યાણધામ રસ્તે થઈ રૂદ્રેશ્ર્વર જાગીર આશ્રમે જઈ શકાશે.
ત્રિલોકનાથ આશ્રમ: દત્ત ચોકથી બાલવી ટી સ્ટોરની બાજુની શેરીમાંથી ત્રિલોકનાથ આશ્રમ જઈ શકાય છે અથવા પોલીસ સ્ટેશનની બાજુમાં રીંગ રોડ પરથી આગળ જતાં શેરનાથબાપુનો આશ્રમ આવે છે.


