ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી ઉપરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ 9 જુલાઈના વહેલી સવારે 7:30 વાગ્યે તૂટી પડ્યો. આ ભયાનક દુર્ઘટનામાં બે ટ્રક,બે પિકઅપ અને એક રિક્ષા સહિતના વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા, જેના કારણે 15 લોકોના મોત થયા,જ્યારે 8થી વધુ લોકો રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા હતા. ત્યારે જૂનાગઢ જિલ્લામાં શાપુર ગામને જોડતો હનુમાન મંદિર નજીક આવેલો 40 વર્ષ જૂનો પુલ પણ આજે ગંભીર સ્થિતિમાં છે.
વડોદરામાં થયેલી આ ઘટના પછી રાજ્યભરમાં અરેરાટી ફેલાઈ, પરંતુ હકીકત એ છે કે ગુજરાતના અનેક શહેરો અને ગામડાઓમાં એવા અનેક પુલ છે,જે આવજ જર્જરીત હાલતમાં છે,છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી થતી નથી.લોકોનું કહેવું છે કે તંત્ર કદાચ ધોર નિંદ્રામાં છે, વડોદરાની ઘટનાનું પુનરાવર્તન અન્યત્ર ન થાય તે માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ પુલ પરથી 50 ટનથી વધુ વજનના ખનીજ ભરેલા ટ્રક અને અન્ય ભારે વાહનો પસાર થાય છે, જેના કારણે પુલ ધ્રૂજી રહ્યો છે.તેમણે જણાવ્યું કે અમારે છેલ્લા ત્રણ વર્ષથી સરકારને લેખિતમાં રજૂઆત કરી છે,પણ કોઈ જવાબદાર પગલું લેવાયું નથી.એવું લાગે છે કે તંત્ર કદાચ વડોદરા જેવી દુર્ઘટના પછી જ જાગશે.



