ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી બનાવાયેલા હોવાના દાવા સાથેના રસ્તાઓ અને ગટરોની પોલ ખુલી ગઈ છે. ઇવનગરથી ગાંધીગ્રામ તરફ જતા માર્ગ પર, કોર્મેન્ટ સ્કૂલની પાછળ, એક મહિનાથી ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં છે, જે ગમે ત્યારે અકસ્માતનું કારણ બની શકે છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, નવા બનેલા રસ્તા અને ગટર વ્યવસ્થા ટૂંકા ગાળામાં જ તૂટી ગઈ છે. તૂટેલા ગટરના ઢાંકણાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે સતત જોખમ ઊભું થયું છે. આ જોખમી સ્થિતિ હોવા છતાં, મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની મરામત કે કાર્યવાહી કરવામાં આવી નથી. નાગરિકોએ તાત્કાલિક આ ગટરનું સમારકામ કરવા અને અકસ્માત ટાળવા માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.
જૂનાગઢમાં નવા બનેલા રસ્તા-ગટરની હાલત બિસ્માર: અકસ્માતનો ભય
