નવી ગ્રામ પંચાયત મંજુર કરવામાં આવી પરંતુ ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
મુળી તાલુકાનાં દુધઈ ગ્રામ પંચાયત છેલ્લા 10 વર્ષથી જર્જરિત અવસ્થામાં જોવ મળે છે. જર્જરિત ગ્રામપંચાયત કોઈપણ સમયે જમીનદોષ થાય તેવી સ્થિતીમા છે. આ ગ્રામ પંચાયત રેકોર્ડ અને વહિવટી માટે અન્ય સ્થળે ખસેડવામાં આવી છે જ્યારે જર્જરિત પંચાયતના લીધે અનેક રજુઆત બાદ છ વર્ષ પૂર્વે સરકાર દ્વારા નવિનીકરણ ગ્રામ પંચાયત માટે મંજુરી આપવામાં આવેલ હતી પરંતુ આજદિન સુધી ગ્રામ પંચાયત બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. જેના લીધે જીવરાજનોને પણ પોતાના કામ અંગે માટે ભારે મુશ્કેલી પડી રહી છે. આ તરફ દુધઈ ગ્રામ પંચાયત અત્યંત જર્જરિત હાલતમાં ઊભી હોય અને કોઈપણ સમયે અકસ્માત થવાની પૂર્ણ ભિતી હોય ત્યારે બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે અને અહીંના બાળકોની સતત અવર જવર થતી હોય તેવા સમયે જો અકસ્માત થાય તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે. જર્જરિત ગ્રામ પંચાયતને પાડવા માટે પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરેલ નથી કે નવિનીકરણ માટે ગ્રાન્ટ પણ દુધઈ ગ્રામ પંચાયતને ફાળવણી કરવામાં આવેલ નથી. ત્યારે આ મામલે રામકુભાઇ કરપડા દ્વારા જણાવ્યું હતું કે રાજકીય ઈશારે ગ્રામ પંચાયત માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી છેલ્લા 6 વર્ષમાં અનેક રજુઆત તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટરને કરવામાં આવી છે હવે કોઈ જાનહાની થશે તો આ બાબતે તંત્ર જવાબદાર રહેશે અને હાલ ગ્રામ પંચાયતનો વહિવટ છેલા એક દશકાથી અન્ય જગ્યાએથી થઈ રહ્યો છે જયા કોઈપણ સુવિધા ન હોય માટે ગામજનોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો તાત્કાલિક નવિનીકરણ ગ્રામ પંચાયત માટે મંજુરી સાથે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે.