રાજકોટ શહેરમાં જાહેર શાંતી અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કેટલાક આદેશો જાહેર કરેલ છે, જે મુજબ તમામ જાહેર સ્થળો જેવા કે બેંકો, એ.ટી.એમ.સેન્ટરો, ઝવેરાતની દુકાનો, શોરૂમ, શોપિંગ મોલ, કોમર્શિયલ સેન્ટરો, હોટલ, કાફે, રેસ્ટોરન્ટ, આંગડિયા પેઢી, શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીયેટર, શોપીંગ સેન્ટર, ગેસ્ટ હાઉસ, લોજીંગ-બૉર્ડિંગ,બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળો, તેમના સ્થળોના પ્રવેશદ્વાર પર પુરતા પ્રમાણમાં તાલીમબદ્ધ સિક્યોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવાના રહેશે. આ સી.સી.ટી.વી.ના રેકોર્ડીંગના ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સાચવવાના રહેશે. આ કેમેરા સતત ૨૪ કલાક સુધી ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ,વહીવટકર્તાઓની રહેશે. પોલીસ દ્વારા જયારે પણ સી.સી.ટી.વી. ફૂટેજ માંગવામાં આવે ત્યારે વિલંબ વિના સી.સી.ટી.વી. ફૂટેજ આપવાના રહેશે.
રાજકોટમાં સૈન્ય, સશસ્ત્ર દળોના ગણવેશના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ શહેર તથા જિલ્લામાં સૈન્ય તથા અન્ય સશસ્ત્ર દળોના ગણવેશ, પોલીસ ગણવેશ તથા તેની સાથે સામ્યતા ધરાવતા વસ્ત્રોના વેચાણ તથા તેના ઉપયોગ થકી થઇ શકતી દેશદ્રોહી કે ગેરકાયદે પ્રવૃત્તિ પર નિયંત્રણ કરવાના આશયથી શહેરના વિસ્તારમાં સૈન્ય, સશસ્ત્ર દળોના ગણવેશ, પોલીસ ગણવેશ તથા તેની સાથે સમાનતા ધરાવતા વસ્ત્રોના વેચાણ તથા તેના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
સ્પા- મસાજ પાર્લરોના કર્મચારીની માહિતી પોલીસમાં આપવા આદેશ
રાજકોટ શહેરના રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં સ્પા કે મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા દ્રવ્યોનું સેવન, દેહ વ્યાપાર તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃતિઓ થતી અટકે તેમજ જાહેર સલામતી અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી શહેર વિસ્તારમાં આવેલા તમામ સ્પા/મસાજ પાર્લરના માલિકો અથવા સંચાલકોએ તેમના એકમનું નામ, માલિક કે સંચાલકનું નામ, ફોટો અને નંબર ઓળખના પુરાવા સાથે, તેમના કર્મચારીઓની સંખ્યા, નામ, સરનામું, મૂળ વતનનું સરનામું, ફોટોગ્રાફ, ઓળખના પુરાવા, વિદેશી કર્મચારી હોય તો વિઝા અને પાસપોર્ટની સમગ્ર વિગત પ્રમાણિત કરીને જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી સહી સિક્કા કરાવાના રહેશે. આ અંગેનું રજિસ્ટર સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિભાવવામાં આવશે.
વાહનોની લે-વેચ કરતા વેપારીઓને તમામ વિગતો સાથેનું રજિસ્ટર નિભાવવા સૂચના
વેચનાર દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે-જ્યારે જુના વાહન વેચવામાં આવે ત્યારે વાહન ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે ખરીદીનું બીલ, વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ સહિતનો કોઇ પણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી વાહન વેચાણ કરનારે મેળવી તેનો રેકર્ડ નિભાવવાનો રહેશે. ખરીદનારનું પુરૂ નામ-સરનામું, સંપર્ક માટે મોબાઈલ નંબર, વાહનનો પ્રકાર, વાહનનો એન્જિન નંબર, સાયકલ, સ્કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા ભારે વાહનોના વેચાણ અંગેના રેકર્ડ ચકાસણી માટે વેયાણકર્તા પાસે કોઈપણ પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી તરફથી માંગણી કરવામાં આવે ત્યારે જરૂરી વિગતો મુજબની માહિતી રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાના રહેશે.
સભા સરઘસ કાઢવા પર પ્રતિબંધ
શહેરમાં આગામી દિવસોમાં જુદી-જુદી ધાર્મિક શોભાયાત્રાઓ, ધાર્મિક તહેવારો તેમજ રેલીઓ/ ધરણાઓ યોજાવાના હોવાથી આ સમયગાળા દરમ્યાન કોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે પરવાનગી વગર જાહેર જગ્યા ઉપર ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. સરકારી અથવા અર્ધસરકારી નોકરીમાં ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહી
મુસાફરોની ફરજિયાત ઓનલાઈન એન્ટ્રી કરવા આદેશ
રાજકોટ તા. ૩૧ ઓગસ્ટ – ત્રાસવાદીઓ અને અસામાજીક તત્વો હોટલ, લોજ, વગેરેમાં ગુપ્ત રીતે આશરો લઈ જાહેર સલામતી જોખમાય તેવી પ્રવૃત્તિઓ કરતાં હોય છે, તેને ધ્યાને મુજબ હોટલ, લોજ વગેરેના માલીકોએ રોકાણ અર્થે આવેલ દરેક વ્યકિતની જાણ તાત્કાલિક ઓનલાઈન પોર્ટલ પથિક એપમાં ફરજીયાતપણે કરવાની રહેશે. દરેક હોટેલ, લોજ વગેરેના માલિકોએ એસ.ઓ.જી. શાખાની ઓફિસમાં રજિસ્ટર કરાવી પોતાના આઇ.ડી. પાસવર્ડ મેળવી લેવાના રહેશે, તેમજ રિસેપ્શન પર ઇન્ટરનેટ સાથેના કમ્પ્યુટરમાં પથિક સોફ્ટવેરમાં ઑનલાઇન એન્ટ્રી ન થઈ જાય ત્યાં સુધી કોઈને રૂમ આપી શકાશે નહી. અને તમામના પોલીસ વેરિફિકેશન દર ૬ મહિને કરાવવાના રહેશે.