ગ્રામજનો સાથે સંવાદ કરી વિકાસની કામગીરીની વિગતો એકત્ર કરી
ચિત્રોડ ગીર ગામના સ્મશાનમાં ઘટતી સુવિધા માટે ઘટતું કરવા ધરપત આપી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં ચિત્રોડ ગીર અને જશાધાર ગામે મહેસૂલી દફતરની ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયે તપાસણી કરી હતી.તાલાલાનાં સ્થાનિક વહીવટી તંત્રનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં બંને ગામે રેવન્યુ રેકર્ડ નું ઇન્સ્પેકશન કર્યું હતું.આ પ્રસંગે બંને ગામના ગ્રામજનો સાથે બેઠક કરી લોકો સાથે સંવાદ કર્યો હતો.બંને ગામમાં થતી વિકાસની કામગીરી તથા ગામમાં ઘટતી સુવિધાની વિગતોથી કલેકટર અવગત થયાં હતાં તથા ગ્રામજનોના લોક પ્રશ્નો સાંભળ્યા હતા.ચિત્રોડ ગીર ગામના સ્મશાનમાં ઘટતી સવલતો અંગે ઘટતું કરવા કલેકટરે ખાત્રી આપી હતી.ચિત્રોડ ગીર તથા જશાધાર ગામે પધારેલ કલેકટર નું ગામના સરપંચોએ સ્વાગત કર્યું હતું.રેવન્યુ સર્કલ ઓફિસર અનીલભાઈ અકબરી એ બંને ગામની બેઠકનું સંકલન કર્યું હતું.
તાલાલાનાં પ્રવાસ દરમ્યાન મામલતદાર કૃષ્ણકુમારસિંહ ચુડાસમા,ઈનચાર્જ તાલુકા વિકાસ અધિકારી સંજયભાઈ ચાવડા,તાલાલા તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભાવિક કુંભાણી,તાલાલા તાલુકા શિક્ષણાધિકારી અરવિંદભાઈ બલદાણીયા તથા તાલાલા તાલુકા પશુ ચિકિત્સક વિગેરે સ્થાનિક વહીવટી કચેરીના અધિકારી કલેકટર સાથે રહ્યા હતા.
ચિત્રોડ ગીર ગામે પીવાના પાણીની ઊંચી ટાંકી બનાવવા માંગણી
- Advertisement -
ચિત્રોડ ગીર ગામની પ્રજાને ગ્રામ પંચાયત દ્વારા ઘર બેઠા નળ વાટે દરેક પરિવારોને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે.પીવાના પાણીની ઉંચી ટાંકીના અભાવે પાણીનું વિતરણ બરાબર થઈ શકતું નથી માટે ગામના દરેક પરિવારોને સરળતાથી પીવાના પાણી વિતરણ થઈ શકે માટે પીવાના પાણીની ઉંચી ટાંકી બનાવવા ગામના ઉપસરપંચ વિજયભાઈ જીવાણી એ માંગણી કરી હતી.ગામની પ્રજાની સુખાકારી માટે અતિ ઉપયોગી લોક પ્રશ્નની કલેકટરે નોંધ લઈ ઘટતું કરવા ધરપત આપી હતી.



