સૌરાષ્ટ્રમાં સિંગલ ડિજિટ પારા સાથે કાતિલ શીતલહેર, લોકો ઠુંઠવાયા
અમરેલી 6.0 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યનું સૌથી ઠંડું શહેર
- Advertisement -
લોકોે ગરમ ખોરાક સાથે ગરમ વસ્ત્રો અને તાપણાના સહારે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
પૂર્વોત્તરના કાશ્મીર અને હિમાલય ક્ષેત્રમાં થયેલી પ્રચંડ બરફવર્ષાની સીધી અસર હવે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહથી ફૂંકાતા બર્ફીલા પવનોએ સમગ્ર રાજ્યને બાનમાં લીધું છે. ઉત્તરાયણ પર્વ બાદ ઠંડીનું જોર ઘટવાને બદલે વધુ પ્રચંડ બન્યું છે, જેના કારણે જનજીવન ઠુંઠવાઈ ગયું છે. જૂનાગઢનો ગિરનાર પર્વત આજે 2.1 ડિગ્રી તાપમાન સાથે થીજી ગયો હતો, જ્યારે અમરેલી 6.0 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. મકરસંક્રાંતિના બીજા દિવસે જૂનાગઢના ગિરનાર પર્વત પર કુદરતનો અનોખો મિજાજ જોવા મળ્યો હતો. પર્વતીય ક્ષેત્રમાં લઘુત્તમ તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાતા પારો 2.1 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. બર્ફીલા પવનની ગતિ અને કાતિલ ઠારને કારણે ગિરનાર પરના જળ સ્ત્રોતો બરફ જેવા ટાઢાબોળ થઈ ગયા હતા. વહેલી સવારે પર્વત પર ગાઢ ધુમ્મસ છવાયેલું હતું, જેને કારણે ગિરનારે વાદળોની સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ રોમાંચક નજારો નિહાળી પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા, પરંતુ હાડ થીજવતી ઠંડીને કારણે યાત્રિકોની હાલત કફોડી બની હતી. તળેટી વિસ્તાર ભવનાથમાં પણ પારો 6 ડિગ્રીની આસપાસ રહેતા વહેલી સવારે સ્વયંભૂ સંચારબંધી જેવી સ્થિતિ જોવા મળી હતી. જૂનાગઢ શહેરમાં આજે લઘુત્તમ તાપમાનમાં 3.5 ડિગ્રીનો મોટો કડાકો બોલાતા પારો 7.1 ડિગ્રીએ અટકી ગયો હતો. હવામાં ભેજનું પ્રમાણ 81 ટકા જેટલું ઉંચુ રહેતા ઠંડીની તીવ્રતા બમણી અનુભવાઈ હતી. 4.4 કિલોમીટરની ઝડપે ફૂંકાતા ઠંડા પવનોએ શહેરીજનોને ઘરમાં પુરાઈ રહેવા મજબૂર કર્યા હતા. આ સિઝનનો સૌથી ઠંડો દિવસ સાબિત થયો છે. જોકે, બપોરના સમયે તાપમાન વધીને 27.9 ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે રાત્રિની ઠંડી અને બપોરના તડકા વચ્ચે તાપમાનનો મોટો તફાવત જોવા મળ્યો હતો. આ કાતિલ ઠંડી સામાન્ય જનજીવન માટે મુશ્કેલીરૂપ સાબિત થઈ રહી છે, પરંતુ ખેડૂતો માટે તે ‘સોના જેવી’ સાબિત થઈ રહી છે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતોના જણાવ્યા મુજબ, ઠંડીના આકરા મિજાજને કારણે રવિ પાક, ખાસ કરીને ઘઉંના વાવેતરને ખૂબ મોટો ફાયદો થયો છે. ચોમાસામાં માવઠાને કારણે શિયાળુ વાવેતર મોડું થયું હતું, પરંતુ જાન્યુઆરીની આ કાતિલ ઠંડીને કારણે પાક લીલોછમ અને તંદુરસ્ત જોવા મળી રહ્યો છે. કૃષિ નિષ્ણાતોના મતે, આ ઠંડીમાં પાકમાં રોગચાળો આવવાની શક્યતા નહિવત રહે છે, પરિણામે ઘઉંનું ઉત્પાદન ગત વર્ષો કરતા વધુ મળવાની આશા છે. આગામી એક થી દોઢ મહિનામાં ઘઉંનો પાક તૈયાર થઈને બજારમાં આવશે. ખેડૂતો એવી પણ આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તો તેમને પોષણક્ષમ ભાવ મળી રહેશે.
- Advertisement -
આ વખતે સૌરાષ્ટ્રના શહેરોએ નલિયાને પણ પાછળ છોડી દીધું
અમરેલી: 6.0 ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડીનું એપીસેન્ટર બન્યું
કેશોદ: 7.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું
જામનગર: 8.4 ડિગ્રી અને કાતિલ શીતલહેર
પોરબંદર: 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું
નલિયા: 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી: હજુ બે દિવસ ઠંડીનો કહેર
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન અધિકારી ધીમંત વઘાસિયાના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાંથી આવતા બર્ફીલા પવનોની અસર હજુ આગામી 48 કલાક સુધી ચાલુ રહેશે. પવનની ગતિ ભલે ઓછી હોય, પરંતુ વાતાવરણમાં ભેજ અને ઠારનું પ્રમાણ વધુ હોવાથી ઠંડીનો ચમકારો વર્તાશે. વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ પણ યથાવત રહી શકે છે. જોકે, બે દિવસ બાદ તાપમાનમાં ધીરે ધીરે વધારો થતા લોકોને કાતિલ ઠંડીમાંથી થોડી રાહત મળવાની શક્યતા છે. આમ, 2026ના પ્રારંભે શિયાળાએ પોતાનો અસલ મિજાજ બતાવતા સમગ્ર સૌરાષ્ટ્ર ઠુંઠવાયું છે. લોકો ઠંડીથી બચવા તાપણા અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે, જ્યારે ગિરનારની તળેટીમાં પ્રકૃતિના આ રૌદ્ર સ્વરૂપને નિહાળવા પ્રવાસીઓનો ધસારો પણ જોવા મળી રહ્યો છે.



