ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભાની બેઠકો કબ્જે કરવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં આવતીકાલે શુક્રવારે ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અલગ અલગ જગ્યાએ સભા ગજવવાના છે.
મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પૈકીની બે બેઠકો પર કોંગ્રેસનો કબ્જો છે અને એક બેઠક હાલમાં ભાજપ પાસે છે જોકે હવે ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા ત્રણેય બેઠકો કબજે કરવા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે આવતીકાલે શુક્રવારે દેશના ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી મોરબી જીલ્લામાં સભા સંબોધવાના છે જેમાં ટંકારા પડધરી બેઠક માટે રવાપર ગામે બહુચરાજી મંદિર સામેના ભાગમાં આવેલ મેદાનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બપોરે ચાર કલાકે સભાનું સંબોધન કરવાના છે. મોરબી માળીયા વિધાનસભા બેઠક માટે શહેરના શનાળા રોડ ઉપર આવેલ રત્નકલાના ગ્રાઉન્ડમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બપોરે ચાર કલાકે સભાનું સંબોધન કરવાના છે તેવી જ રીતે વાંકાનેર કુવાડવા બેઠક ઉપર હિન્દુ હૃદય સમ્રાટ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે સાડા નવ વાગ્યે વાંકાનેરના રાતી દેવડી રોડ પર આવેલ કિરણ સીરામીકના ગ્રાઉન્ડમાં સભાનું સંબોધન કરવાના છે.