ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યોમાં મૂડીગત ખર્ચને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે2023-24 માટે 16 રાજ્યોના 56,415 કરોડ રૂપિયા વ્યાજ વગર અને લાંબા ગાળાની મૂડી ખર્ચની લોન પેટે આપવાને મંજૂરી આપી છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
56415 કરોડ રૂપિયા પૈકી બિહારને સૌથી વધુ 9640 કરોડ રૂપિયા, મધ્ય પ્રદેશને 7850 કરોડ રૂપિયા, પશ્ચિમ બંગાળને 7523 કરોડ રૂપિયા, રાજસ્થાનને 6026 કરોડ રૂપિયા, ઓડિશાને 4528 કરોડ રૂપિયા, તમિલનાડુને 4079 કરોડ રૂપિયા, કર્ણાટકને 3647 કરોડ રૂપિયા, ગુજરાતને 3478 કરોડ રૂપિયા અને છત્તીસગઢને 3195 કરોડ રૂપિયા આપવામાં આવશે.
આ લોન સ્પેશિયલ આસિસટન્સ ટૂ સ્ટેટ્સ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, 2023-24 હેઠળ મંજૂર કરવામાં આવી છે. આરોગ્ય, શિક્ષણ, સિંચાઇ, પાણી પુરવઠો, વીજળી, માર્ગ, બ્રિજ અને રેલવે જેવા સેકટર્સમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ માટે લોેન આપવાની મંજૂરી આપી છે.
જળ જીવન મિશન અને વડાપ્રધાન ગ્રામ સડક યોજના હેઠળ રાજ્યોના ફાળાના આધારે આ યોજનાઓ સાથે જોડાયેલા પ્રોજેક્ટના ઝડપી અમલીકરણ માટે પણ આ ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
રાજ્યો દ્વારા મૂડીગત ખર્ચ વધારવાના હેતુથી 2023-24ના બજેટમાં સ્પેશિયલ આસિસ્ટન્સ ટુ સ્ટેટ્સ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ 2023-24 સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી.
આ સ્પેશિયલ સ્કીમ હેઠળ રાજ્યોને 2023-24માં 1.3 લાખ કરોડ રૂપિયા વગર વ્યાજે 50 વર્ષો માટે આપવામાં આવશે. રાજ્યોને આ રકમ 15મા નાણાકીય પંચ અનુસાર સેન્ટ્રલ ટેક્સ અને ડયુટીમાં રાજ્યોની હિસ્સેદારીના આધારે આપવામાં આવી રહી છે.
આ સ્કીમને 87 ભાગોમાં વહેંચવામાં આવી છે. જેના પ્રથમ ભાગમાં એક લાખ કરોડ રૂપિયાની લોન આપવાની જોગવાઇ છે. બાકીના ભાગોમાં આપવામાં આવનારી રકમને રાજ્યોના દેખાવને આધાર પર આપવામાં આવશે.
જેમાં સરકારી ગાડીઓ અને એમ્બ્યુલન્સને બદલવાથી લઇને અર્બન પ્લાનિંગ અને અર્બન ફાઇનાન્સ ઉપરાંત અર્બન લોકલને આપવામાં આવશે. આ ઉપરાંત પંચાયત અને વોર્ડ લેવલ પર લાઇબ્રેરી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર સેટઅપ કરવા માટે પણ ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.