સૌરાષ્ટ્રભરમાં મહાકળશ પૂજન, મહારાસ અને મહાઆરતીના ભવ્ય કાર્યક્રમો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
કડવા પાટીદારોના આસ્થાકેન્દ્ર શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ગત વર્ષ 2024માં યોજાયેલ શ્રી 1મ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે ભાદરવી સુદ પૂનમના દિવસે વિશાળ સ્તરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
મંદિર સંસ્થાનના નેજા હેઠળ સૌરાષ્ટ્રના 11 જીલ્લા, 70થી વધુ તાલુકા મથકો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઉમિયા પરિવાર સમિતિઓ દ્વારા મહાકળશ પૂજન, બહેનોનો મહારાસ, મહાઆરતી તથા મહાપ્રસાદના આયોજનો ભવ્યાતિભવ્ય રીતે યોજાયા.
- Advertisement -
ઉમિયાના પ્રાગટ્યદિન નિમિત્તે યોજાયેલ 11 કુંડી મહાયજ્ઞમાં જોડાવા રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી આશરે 2000 પદયાત્રીકો સિદસર ખાતે પહોંચ્યા હતા. પદયાત્રીઓએ વાજતે-ગાજતે, ઉઉંના તાલે અને મા ઉમિયાના જયઘોષ સાથે પ્રવેશ કર્યો હતો.
આ પ્રસંગે જુનાગઢથી મા ઉમાખોડલનો રથ પણ સિદસર પહોંચ્યો હતો, જેનું ઉમિયાધામના હોદેદારો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉમિયાધામ સિદસર ખાતે યોજાયેલા 11 કુંડી મહાયજ્ઞમાં રાજકોટના પરેશભાઈ અને ભાવનાબેન ધમસાણીયાએ યજમાન તરીકે લ્હાવો લીધો હતો. સાંજની આરતીમાં આશરે 10 હજાર પદયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આખા દિવસે કુલ 50 હજારથી વધુ ભક્તોએ મા ઉમિયાના દર્શન કર્યા હતા. સંસ્થાન દ્વારા ભક્તોની રહેવા અને પ્રસાદની સુવ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રના દરેક તાલુકા-શહેરમાં મહોત્સવની પૂર્ણાહુતી નિમિત્તે મહાકળશ પૂજન તથા મહારાસના કાર્યક્રમો યોજાયા હતા. રાજકોટમાં સ્પીડવેલ ચોક, શ્રીનાથધામ હવેલી પાસે કેપીએસ ક્લબ આયોજિત ઉમા કાલાલ ગણપતી મહોત્સવના ગ્રાઉન્ડ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય ઉજવણી પાટીદાર એકતા અને મા ઉમિયાપ્રત્યેના અખંડ શ્રદ્ધાનું પ્રતિક બની રહી હતી.



