સોરઠ પંથકમાં ચૈત્રી નવરાત્રિ અવસરે હવન અષ્ટમીની ભાવ પૂર્વક ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
સમગ્ર સોરઠ પંથકમાં આવેલ સુપ્રસિદ્ધ માતાજીના મંદિરોમાં આજે આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભાવ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીને વિશેષ શૃંગાર સાથે મહાઆરતી અને હવનમાં આહુતિ આપી યજ્ઞમાં બીડું હોમવામાં આવ્યું હતું તેની સાથે ભાવિકો માટે મહાપસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગીરનાર પર્વત પર આવેલ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના આઠમના હવન સાથે મહાપ્રસાદનું પણ અનેરૂ આયોજન અને અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પરિવારની પ્રેરક ઉપસ્થિતિમાં યજ્ઞ સંપન્ન થયો હતો.
- Advertisement -
ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાની શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં આજરોજ આઠમ યાને કે હવન અષ્ટમીનો યજ્ઞ મંદિર પરિસર ખાતે યોજાયો હતો જેમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે અંબાજી મંદિર ખાતે માતાજીનો હવન અને શ્રી સૂક્તના પાઠ બપોરે મહાઆરતી બાદ મહા પ્રસાદ સાથે માતાજીના નવરાત્રી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરાય હતી આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પરિવાર સાથે માતાજીના દર્શન પૂજન અને હવનમાં સહભાગી થયા હતા અને માતાજીના પુરા ભાવ સાથે દર્શન કર્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા અને મંદિર ટ્રસ્ટ વતી પૂજારીઓએ સંજયભાઈને માતાજીની ચુંદડી પ્રસાદી રૂપે અપર્ણ કરી સન્માન કરાયું હતું. જયારે ચૈત્રી નવરાત્રીના પાવન પર્વે વેહલી સવારથી માઇ ભક્તો માતાજીના દર્શન કરવા પધાર્યા હતા અને યજ્ઞનો લાભ લઈને ગિરનારના ધર્મસ્થાનોના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.



